વન મંત્રી ગણપત વસાવા ઉપર ભ્રષ્ટાચારના આરોપો

ગુજરાતના વનમંત્રી પર આવક કરતાં વધુ અપ્રમાણસર મિલ્કત અને બેનામી સંપતિના આક્ષેપો પૂર્વ સનદી અધિકારી જગતસિંહ વસાવાએ મૂકતાં રાજકીય ઉત્તેજના ઊભી થઈ છે.
આદિજાતિ અને મહિલા બાળ વિકાસ તેમ જ વન અને પર્યાવરણ મંત્રી તરીકેનો હવાલો સંભાળતાં માંગરોળના ધારાસભ્ય ગણપત વેસ્તાભાઇ વસાવા વિરૂધ્ધ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ગામ વાડીના જ વતની અને પૂર્વ સનદી અધિકારી જગતસિંહ એલ.વસાવાએ ગણપત વસાવા વિરૂધ્ધ અપ્રમાણસર મિલકત અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવી મંત્રી વસાવા તથા અન્યો સામે પ્રિવેન્શન ઓફ કરપ્શન એકટ-૧૯૮૮ની કલમ- ૧૩(ઇ), ૧૩(૨) હેઠળ ગુનો દાખલ કરવા અને સમગ્ર મામલામાં ન્યાયિક તપાસ કરવા ઉગ્ર માંગણી કરી છે. મંત્રી વસાવા વિરૂધ્ધ તેમની ફરિયાદ પરત્વે ખુદ એસીબીના ડાયરેકટરને નિર્ણય લેવા ગુજરાત હાઇકોર્ટે હુકમ કર્યો હોવાછતાં તેનું સરકાર કે એસીબી સત્તાવાળાઓ દ્વારા પાલન કરાયું નહી હોવાથી ફરી હાઇકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી પણ જગતસિંહ વસાવાએ ઉચ્ચારી હતી. જો કે, પૂર્વ સનદી અધિકારી દ્વારા રાજયના વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવા વિરૂધ્ધના ભ્રષ્ટાચારના આરોપોને લઇ ફરી એકવાર ગુજરાતના રાજકારણમાં ભારે ચકચાર મચી ગઇ છે.
રાજયના વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવા વિરૂધ્ધ આજે મીડિયા સમક્ષ આવી જાહેરમાં ગંભીર આરોપ લગાવતાં પૂર્વ સનદી અધિકારી અને ગુજરાત હાઇકોર્ટમાં વકીલાતની પ્રેકટીસ કરતાં જગતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, ગુજરાતના ૧૧ જિલ્લાઓમાં આદિવાસી વિસ્તારોમાં સ્થાનિક આદિવાસી પ્રજાના કલ્યાણ અને ઉત્કર્ષ માટે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર જે બજેટ ફાળવે છે તેનો ખરા અર્થમાં ઉપયોગ થતો નથી અને તેમાં મોટાપાયે ગંભીર ભ્રષ્ટાચાર આચરાય છે. આ ભ્રષ્ટાચારમાં મુખ્ય સૂત્રધાર તરીકેની ભૂમિકા બીજું કોઇ નહી પરંતુ ખુદ રાજયના વન મંત્રી ગણપત વસાવા ભજવી રહ્યા છે. મંત્રી વસાવાએ વિધાનસભા ૨૦૧૭ની ચૂંટણી સંદર્ભે જે સોગંદનામું રજૂ કર્યું હતું, તે જોતાં તેમની ભ્રષ્ટાચારની અને અપ્રમાણસર મિલ્કતની વિગતો સ્પષ્ટ થાય છે. મંત્રી વસાવાની કુલ આવક રૂ.૧.૭ કરોડની સામે રૂ.ત્રણ કરોડથી વધુની સંપતિ જણાઇ છે. મંત્રી વસાવાની કુલ સંપત્તિ રૂ.૭૭ કરોડથી પણ વધુની થવા જાય છે. જયારે બેનામી સંપત્તિ રૂ.૧૧૬ કરોડથી વધુની થવા જાય છે. આમ, આવક કરતાં વધુ અપ્રમાણસર મિલ્કત અને બેનામી સંપતિના પ્રકરણમાં મેં એસીબી, ઇન્મકટેક્ષ ડિપાર્ટમેન્ટ સહિતના સત્તાવાળાઓને મંત્રી ગણપત વસાવા, તેમના પત્ની નીલમબહેન, કોસંબા માંગરોળ ખાતે રહેતા રાકેશ રણજીત સોલંકી અને ગાંધીનગરના કનૈયાલાલ ગાંડાલાલ દેસાઇ વિરૂધ્ધ પ્રિવેન્શન ઓફ કરપ્શન એકટની કલમ- ૧૩(ઇ), ૧૩(૨) હેઠળ ગુનો દાખલ કરવા અને સમગ્ર મામલામાં ન્યાયિક તપાસ કરવા ઉગ્ર માંગણી કરી છે. જો કે, હજુ સુધી એસીબી કે ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારા કોઇ જ કાર્યવાહી થઇ નથી. આ મામલે મેં ગુજરાત હાઇકોર્ટમાં રિટ પણ કરી હતી, હાઇકોર્ટે પણ મારી ફરિયાદના મામલે યોગ્ય નિર્ણય લેવા ખુદ એસીબીના ડાયરેકટરને સ્પષ્ટ હુકમ કર્યો છે પરંતુ તેમછતાં એસીબી તરફથી કોઇ નિર્ણય નહી લેવાતાં અમે હવે ફરીથી હાઇકોર્ટના દ્વાર ખખડાવીશું.
પૂર્વ સનદી અધિકારી જગતસિંહ વસાવાએ ઉમેર્યું કે, એકબાજુ, બીપીએલ આદિવાસીઓ તેમના ઉત્કર્ષ અને કલ્યાણની રાહ જોતા બેઠા છે ને બીજીબાજુ, અગાઉ આદિવાસીઓના નામે ૮૩ એનજીઓને રૂ.૧૭૩૧ કરોડ ફાળવાયા હતા, તેનો હિસાબ પણ મંત્રી વસાવા આપી શકયા નથી. આમ, મંત્રી ગણપત વસાવા ગંભીર પ્રકારના ભ્રષ્ટાચારના કેસમાં સંડોવાયેલા છે ત્યારે ભાજપ સરકાર અને ખુદ એસીબી, આઇટી ડિપાર્ટમેન્ટ સહિતના સત્તાવાળાઓ તેમને બચાવી રહ્યા છે પરંતુ તેઓ આ મામલે ન્યાય માટે છેક સુધી કાનૂની લડત આપશે અને આદિવાસીઓને ન્યાય અપાવશે.