રાજ્યમાં ૭ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે ઉભી થયેલ પરિસ્થિતિ, ઠેર-ઠેર પાણી છતાં “ભાજપ સરકાર અને મુખ્યમંત્રીએ ખેડૂતને નુકસાન, જમીન ધોવાણ, રોગચાળા ડામવા, શુદ્ધ પીવાના પાણી ઉપલબ્ધ કરવામાં આવેલ છે. ” તેવી વાતો હકીકતમાં અનેક જાહેરાતોની જેમ વધુ એક કાગળ ઉપરની જાહેરાત છે. ત્યારે મુખ્યમંત્રી અને કુંભકર્ણની નિંદ્રામાં પોઢી ગયેલ વહીવટી તંત્ર જાગે. રોજનું રોજ કમાઈને જીવન નિર્વાહ કરતાં પરિવારો માટે મુશ્કેલીના દિવસો છે. સર્વેની કામગીરી પછી જ કેશ ડોલ્સ વિતરણનો અસંવેદનશીલ નિર્ણય કરનાર ભાજપ સરકાર વહીવટી તંત્ર – લાલ ફાઈલોમાં કાગળના વહીવટને બદલે માનવીય અભિગમથી પૂર અસરગ્રસ્તોને મદદ કરે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જુનાગઢ અને અમરેલીમાં ભારે વરસાદના કારણે લોકોની મુશ્કેલીમાં ઉમેરો થયો છે. અનેક પરિવારના ઘરોમાં પાણી ઘુસી ગયા છે. અનેક ગામોમાં ખેતીની જમીનનું મોટાપાયે ધોવાણ થયું છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ, ભરૂચ, સુરત સહીતના જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે અનેક તાલુકા-ગામ ક્ષેત્રે ભારે પ્રભાવિત થયા છે. અનેક ગામો તાલુકા આસપાસના ચેકડેમો સમારકામના અભાવે ભારે વરસાદથી ધોવાઈ ગયા છે. પૂરગ્રસ્ત ૧૧ જિલ્લાના ૮૦૦ થી વધુ ગામોની ૧ લાખ હેક્ટર કરતા વધુ જમીન-પાકને ભારે નુક્શાન થયું છે.
રાજ્યના મોટા ભાગના પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્ર અને તાલુકા કક્ષાની સરકારી દવાખાનામાં દવાનો જથ્થો અને જરૂરી મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફના અભાવે ભારે હાલાકીનો સામનો કરી રહેલા નાગરિકો માટે આરોગ્ય સેવા ગોઠવવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં હજારો ગામો અને શહેરી વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટેની જાહેરાતો માત્ર કાગળ ઉપર રહી ગઈ છે. બે થી પાંચ ઇંચ વરસાદમાં પ્રી મોન્સુન પ્લાનના નામે કેટલા રૂપિયા ક્યાં ધોવાઇ ગયા તે જાહેર થઇ ગયું છે. જે વિસ્તારમાં વરસાદ પછી મેલેરિયા, ઝાડા-ઉલટી, પાણીજન્ય રોગો તેમજ જેરી જાનવર કરડવાની ધારણાઓ અંતે રાજ્ય સરકાર વહીવટી તંત્ર સચોટ પગલા ભરે તે જરૂરી છે.
રાજ્યમાં ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર બે થી પાંચ ઇંચ વરસાદ પડે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા. કલાકો સુધી વરસાદી પાણીનો નિકાલ ન થવાથી નાગરિકો હેરાન પરેશાન થઇ ગયા. બાંધકામ અને ખાસ કરીને પાણી નિકાલની જગ્યાઓ પરના ગેરકાયદેસર બાંધકામોને લીધે લાખો નાગરિકો દર ચોમાસામાં ભોગ બની રહ્યા છે. તેમ કોંગ્રેસના પ્રમુખ ડૉ. મનિષ એમ. દોશીએ જણાવ્યું હતું.