ગુજરાત રાજ્યમાં થયેલા તાજેતરના વ્યાપક વરસાદથી ૮૪.૩૯ ટકા જેટલા વિવિધ ખરીફ પાકોને નવું જીવતદાન મળ્યું છે, એમ રાજ્યના કૃષિ નિયામક ભરત મોદીએ જણાવ્યું છે. ૮૫.૬૫ લાખ હેક્ટર સામે આ વર્ષે કુલ ૭૨.૨૯ લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર ખેડૂતોએ કર્યું છે. તાજેતરના વરસાદ પછી દિવેલા, કઠોળ, ગુવાર, જુવાર, બાજરી તથા ઘાસચારાના પાકોનું નવું વાવેતર હાથ ધરાશે. કપાસ, મગફળી, બાજરી, મકાઇ, કઠોળ અને ઘાસચારા
વગેરે ઉભા પાકોને જીવતદાન મળ્યું છે.
ગુજરાતમાં સરેરાશ વરસાદ ૮૩૧ મી.મી. સામે ૧૯ ઓગસ્ટ સુધીમાં ૬૨.૯૭ ટકા એટલે કે ૫૨૩.૨૯ મી.મી. વરસાદ વરસ્યો છે. મુખ્ય પાક કપાસનું સામાન્ય વાવેતર કરતાં ૧૦૨.૭૬ ટકા જેટલું એટલે કે, ૨૬.૭૪ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. રાજ્યના ખેડૂતોએ કુલ ધાન્ય પાકોનું ૧૨.૪૧ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર કરેલું છે જે સામાન્ય વાવેતરના ૯૨.૫૦ ટકા જેટલું થવા જાય છે. મગફળીનું વાવેતર સામાન્ય વાવેતરના ૯૬.૮૭ ટકા એટલે કે ૧૪.૬૫ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે.
કઠોળ પાક ૪.૦૫ લાખ હેક્ટરમાં ખેડૂતોએ લીધા છે જે સામાન્યના ૭૦.૬૧ ટકા થવા જાય છે. અણીના સમયે પાણી મળતાં પાક જીવતદાનને કારણે સારા ઉત્પાદનની શકયતાઓ છે.
દિવેલાનું હાલનું વાવેતર ૧.૫૦ લાખ હેક્ટરથી વધીને ૬.૫૦ લાખ હેક્ટર વિસ્તારમાં વધી શકે છે. જ્યારે કે ઘાસચારાનું હાલનું જે વાવેતર ૮.૧૧ લાખ હેક્ટર છે તે પણ વધીને ૧૦.૯૩ લાખ હેક્ટર વિસ્તારમાં થશે. કઠોળ પાકોનું વર્તમાન વાવેતર ૪.૦૫ લાખ હેક્ટર વિસ્તારથી વધીને ૫.૫૦ લાખ હેક્ટર તેમજ ધાન્ય પાકોનું ફુલ વાવેતર ૧૨.૪૧ લાખ હેક્ટરથી વધીને ૧૩.૨૫ લાખ હેક્ટર વિસ્તાર સુધી થવાની સંભાવના છે.
 ગુજરાતી
 ગુજરાતી English
 English