વરસાદની પરિસ્થિતિની સરકારે સમીક્ષા કરી પાંચ ઇંચથી ઓછો વરસાદ થયો છે ત્યાં રાહતદરે પશુપાલકોને ઘાસ વિતરણ થશે

રાજ્યના સરદાર સરોવર ડેમ સહિત ૨૦૩ જળાશયોમાં કુલ ૫૫૬ MCM નવું પાણી આવ્યું

ગુજરાત સરકારે રાજ્યમાં પાછલા બે દિવસમાં થયેલા વ્યાપક વરસાદની પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી હતી. સરદાર સરોવર નર્મદા બંધમાં 278 MCM પાણી આવ્યું છે. સરદાર સરોવર ડેમમાં ૧ લાખ બે હજાર ક્યુસેક્સ પાણીનો આવરો રહ્યો છે. મધ્ય ગુજરાતના પાનમ, કરજણ, કડાણા અને દક્ષિણ ગુજરાતના ઉકાઈ જળાશયો સહિત રાજ્યના 203 ડેમ-જળાશયોમાં પાછલા બે દિવસમાં 278  MCM પાણીનો આવરો થયો છે. સમગ્રતયા જળાશયોમાં 556 MCM નવું પાણી આવ્યું છે.
કચ્છના ટપ્પર ડેમને પીવાના પાણી માટે નર્મદા જળથી ત્વરાએ ભરી દેવાનું નક્કી કરાયું હતું. રાજ્યના કચ્છ સહિત જે વિસ્તારોમાં હજુ પાંચ ઇંચ (125 મિ.મિ.)થી ઓછો વરસાદ છે ત્યાં રાહત દરે ઘાસચારાનું વિતરણ યથાવત રખાશે.

NDRF, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિતની ટૂકડીઓ અને 24×7 કાર્યરત કંટ્રોલ રૂમની સ્થિતિની વિગતો જાહેર કરાઈ હતી. વરસાદ કૃષિ વાવેતર માટે ફાયદાકારક નિવડ્યો છે. જે વિસ્તારોમાં ઓછાં વરસાદને કારણે પાક સ્થિતિ નબળી હતી ત્યાં આ વરસાદને પરિણામે પાકોને જીવતદાન મળ્યું છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી,  નાયબ મુખ્ય પ્મંરધાન નિતીનભાઈ પટેલ, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમા આ સમીક્ષા બેઠકમાં હાજર હતા.