ગુજરાત સરકાર દ્વારા મોટા ઉપાડે યોજનાઓ અમલી કરવામાં આવે છે અને સાથે સાથે નવા બ્રિજ, રસ્તાઓ તેમ જ મકાનો પણ બનાવવામાં આવે છે, પરંતુ રાજ્યનાં મુખ્યમંત્રી, મંત્રીઓ કે ખુદ વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન કરાવવાની લ્હાયમાં લાંબા ગાળા સુધી આ પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયાં છતાં પણ શરૂ થયા વગરનાં પડ્યાં રહે છે. આવો જ એક પ્રોજેક્ટ જે છેલ્લાં કેટલાંય સમયથી તૈયાર થઈને પડ્યો હોવા છતાં તેનું ઉદ્ઘાટન ન થતાં છેવટે કોંગ્રેસનાં સ્થાનિક નેતાઓએ તેનું ઉદ્ઘાટન કરી દીધું છે.
ગુજરાતનાં બોર્ડર વિસ્તારમાં આવેલાં કચ્છ જિલ્લાનાં ભૂજમાં વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકાર દ્વારા સમરસ હોસ્ટેલ તૈયાર કરવામાં આવી છે. છેલ્લાં એક વર્ષથી આ હોસ્ટેલ તૈયાર થઈ ગઈ હોવા છતાં બીજા કાર્યક્રમોમાં વ્યસ્ત એવાં રાજ્યનાં મુખ્યમંત્રી કે તેમનાં મંત્રીમંડળનાં સભ્યો દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવતું નહોતું. જેનાં કારણે હોસ્ટેલમાં રહેવા ઈચ્છૂક વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. જો કે, આ મુશ્કેલીઓનો અંત લાવવા માટે કચ્છ જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ એક કાર્યક્રમ યોજીને આ સમરસ હોસ્ટેલનું ઉદ્ઘાટન કરી દીધું હતું. આ હોસ્ટેલનાં નિર્માણ પાછળ રાજ્ય સરકારે લગભગ રૂપિયા 30 કરોડનો જંગી ખર્ચો કર્યો છે. એક વર્ષ પહેલાંથી જ આ હોસ્ટેલ તૈયાર થઈ ગઈ હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા તેનું ઉદ્ઘાટન ન થતાં અમે આ હોસ્ટેલનું ઉદ્ઘાટન કરીને વિદ્યાર્થીઓની મુશ્કેલીનો અંત લાવી દીધો છે એવું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહે જણાવ્યું હતું.
અત્રે નોંધનીય છે કે, થોડાં સમય પહેલાં અમદાવાદનાં નવા રાણીપ વિસ્તારમાં જીએસટી ક્રોસિંગની ઉપર બનેલાં બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં વિલંબ થતાં આ વિસ્તારનાં સ્થાનિકો દ્વારા આ બ્રિજનું વાહનોની અવરજવર શરૂ કરીને ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યું હતું. તો સુરત ખાતે કેબલ બ્રિજનાં ઉદ્ઘાટનમાં પણ વિલંબ થતાં સ્થાનિક નેતા દ્વારા તેનું ઉદ્ઘાટન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, પરંતું પોલીસ આ સ્થાનિક નેતાની અટકાયત કરીને આ કાર્યક્રમ થવા નહોતો દીધો.