વલ્લભીપુરનાં રતનપર ગામે 40 ગામોનાં ખેડૂતોનો પાણીનો પોકાર

રાજ્યનાં ખેડૂતોની સ્થિતિ દિવસે ને દિવસે કથળતી જઈ રહી છે. તેમની છેલ્લાં લાંબા સમયથી દેવા માફીની માગણી ઉપર રાજ્ય સરકાર દ્વારા કોઈ નિવેડો આવ્યો નથી. ત્યાં રાજ્યમાં અપૂરતા વરસાદને કારણે ઊભી થયેલી પાણીની તંગીને પહોંચી વળવા માટે પણ સરકાર દ્વારા કોઈ પગલાં ન લેવાતાં ખેડૂતો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે અને આંદોલન કરી રહ્યાં છે. આ સંજોગોમાં એક સાંધો ત્યાં તેર તૂટે એવી સ્થિતિ રાજ્ય સરકારની થઈ છે. સૌરાષ્ટ્રનાં ઘણાં વિસ્તારોમાં ચાલુ વર્ષે સારું ચોમાસું રહ્યું તો કેટલાંક વિસ્તારોમાં ચોમાસું નબળું રહેતાં ખેડૂતોને સિંચાઈનાં પાણીની મોટી સમસ્યા ઊભી થઈ છે. આ મામલે મોરબી પંથકનાં ખેડૂતો પાણી માટે છેલ્લાં એક મહિનાથી પોકાર કરી રહ્યાં છે, ત્યારે હવે ભાવનગર જિલ્લામાં પણ પાણીનો પોકાર ઉઠવા પામ્યો છે.
ભાવનગર જિલ્લાનાં વલ્લભીપુરનાં રતનપર ગામે 40 ગામોનાં ખેડૂતો પાણીની ઉગ્ર માંગણી સાથે ઉપવાસનું શસ્ત્ર ઉગામ્યું છે. રતનપર ગામે આસપાસનાં 40 ગામોનાં ખેડૂતો પાણીની માંગણી કરી રહ્યા છે સાથે સાથે તેમનાં પાક માટે સમયસર પાણી નહિ મળે તો તેમનો પાક નિષ્ફળ જવાની દહેશત પણ વ્યક્ત કરી છે. ખેડૂતોની માંગણી છે કે, રાજ્ય સરકારે રતનપર ગામની નજીકથી પસાર થઈ રહેલી નર્મદા કેનાલમાં પાણી તાત્કાલિક અસરથી આપવું જોઈએ જેથી પાક બચી જાય. આ બાબતે રાજ્ય સરકાર સમક્ષ અનેકવાર રજૂઆતો કરી તેમ જ આવેદનપત્રો પણ આપ્યાં પરંતુ રાજ્ય સરકાર કોઈ નિષ્કર્ષ પર ન આવતાં ખેડૂતોએ ઉપવાસનું શસ્ત્ર ઉગામ્યું છે. અને જો આ મામલે ઉકેલ નહિ આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ખેડૂતોની સમસ્યા તો ચાલે જ છે, પણ આજે દિલ્હી ખાતે પણ હરિદ્વારથી આવેલાં ખેડૂતો પર અહિંસાનાં દિવસે પોલીસ દ્વારા ગાઝિયાબાદ ખાતે દમન ગૂજારવામાં આવ્યું છે ત્યારે આવનારા દિવસોમાં સમગ્ર દેશમાં ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બને તો નવાઈ નહિ.