વાજપેયીનો શોક જાહેર, પણ ભાજપના નેતાએ પેંડા ખવડાવ્યા

સત્તાની હવસ ક્યારેક તમામ મર્યાદા વટાવી દેતી જોવા મળે છે. દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારીના અવસાનથી ગુજરાતમાં એક અઠવાડિયાનો શોક જાહેર કર્યો છે. દેશે સારા નેતા ગુમાવ્યા તેનો ગમ બધાને છે પણ ભાજપના ચોક્કસ નેતાઓને નથી, કે જે માત્ર સત્તા અને પૈસાના કારણે રાજકારણમાં આવેલાં છે. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકા ભાજપના પ્રમુખ હેમરાજ પટેલ તથા ભાજપના અગ્રણી બાબરા પટેલે ખુશીમાં પેંડા ખવડાવ્યા હતા. લાખણી તાલુકા પંચાયત પર કોંગ્રેસની સત્તા હતી. તે ખેરવવા માટે ભાજપના કેટલાંક નેતાઓ દિવસ રાત કાવાદાવા કરી રહ્યાં હતા. તેમાં 20 ઓગસ્ટે લાખણી તાલુકા પંચાયત સુપરસીડ કરી દેવામાં આવતાં કોંગ્રેસની સત્તા જતી રહી હતી. જેનો ચાર્જ સરકારના અધિકારીને સોંપવામાં આવ્યો હતો. તે હાજર થતાં જ તેમને ભાજપના નેતાએ કોંગ્રેસના પરાજય અને અધિકારી રાજને આવકાર માટે પેંડા ખવડાવ્યા હતા. ભાજપ અને કોંગ્રેસના સમાન 11 સભ્યો થતાં બજેટ ત્રણ વખત ના મંજૂર થયું હતું. તેથી ગાંધીનગર જુના સચિવાલયમાંથી વિકાસ કમિશનર નલીન ઠાકર દ્વારા કોંગ્રેસનું રાજ 6 મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું, અને સરકારી અધિકારી વહીવટદાર તરીકે બનાસકાંઠાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડી. કે. હડીયોલવને મૂકી દીધા હતા.