ગુજરાતમાં આ વર્ષે અપૂરતાં વરસાદનાં કારણે સિંચાઈનાં તેમ જ પીવાનાં પાણીની કારમી તંગી અત્યારથી જ વિવિધ જિલ્લાઓમાં વર્તાઈ રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને બનાસકાંઠા તેમ જ સાબરકાંઠામાં પરિસ્થિતિ આગામી દિવસોમાં વિકટ બને એવી શક્યતાઓ રહેલી છે ત્યારે ભાજપ હોય કે કોંગ્રેસ આ બન્ને પક્ષના નેતાઓ ખેડૂતો અને પ્રજાનાં હામી બનવા માટે વાણી વિલાસ કરતાં જોવા મળે છે. થોડાં સમય પહેલાં સાબરકાંઠાનાં ઢૂંઢરનાં દુષ્કર્મ કેસ મામલે વાવનાં કોંગ્રેસનાં ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરે રજૂઆત કરવા આવેલી મહિલાઓ સમક્ષ વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. ત્યાં આજે ફરી એકવાર આ જ ધારાસભ્યની હાજરીમાં તેમનાં પક્ષનાં એક નેતાએ થરાદમાં પાણી આપવા મામલે અધિકારીઓ હેરાન કરે તો તેમનાં હાથ કાપી નાંખતા ખચકાતા નહિ એવું નિવેદન કરતાં ભારે હોબાળો મચી જવા પામ્યો છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર થરાદમાં આજે નર્મદા નિગમનાં અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વાવનાં કોંગ્રેસનાં ધારાસભ્ય ગેનીબહેન ઠાકોર પણ ઉપસ્થિત હતાં. અને તેઓ તેમ જ અધિકારીઓ ખેડૂતોને પડી રહેલી સિંચાઈનાં પાણીની સમસ્યા અંગે રજૂઆતો સાંભળતાં હતાં. ત્યારે બેઠકમાં ઉપસ્થિત વાવ તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ ઠાકરસિંહ રબારીએ વિવાદાસ્પદ નિવેદન કરતાં ઉપસ્થિત અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતાં. ઠાકરસિંહે એવું નિવેદન કર્યું કે, અપૂરતાં વરસાદને કારણે પડી રહેલી સિંચાઈનાં પાણીની સમસ્યાનાં ઉકેલ માટે નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવે. અને જો પાણી આપવામાં હેરાન કરે તો અધિકારીઓનાં હાથ કાપી નાંખતા પણ ખચકાતા નહિ. સાથે સાથે એવી ગર્ભિત ધમકી પણ આપી કે ખેડૂતો હવે મર્યાદા છોડી હથિયાર હાથમાં લેશે, ખેડૂતોને લાચાર સમજતા નહિ. ખેડૂતો કોઈપણ પ્રકારનાં પગલાં ઉપાડી શકે છે. ઠાકરસિંહનાં આ પ્રકારનાં ઉશ્કેરણીજનક નિવેદન ઉપર નર્મદા નિગમનાં અધિકારીઓએ વાંધો ઉઠાવ્યો હતો. પરંતુ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઠાકરસિંહ પોતાની આ વાત પર અડગ રહ્યાં હતાં.
તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઠાકરસિંહનાં આ નિવેદન મામલે ગેનીબહેને જણાવ્યું કે, આ લાગણી ખેડૂતોની છે. ખેડૂતોને તેમનાં પાકને થઈ રહેલાં નુકસાનનાં કારણે આ પગલું ભરતા પણ કોઈ રોકી નહિ શકે. આ પ્રકારનું નિવેદન ગેનીબહેને કરતાં બેઠકમાં બળતામાં ઘી હોમાયું હોય એવું અધિકારીઓને લાગ્યું હતું. જોકે, નર્મદા નિગમનાં અધિકારીઓએ આ મામલે કોઈ ટીપ્પણી કરવાનું ટાળ્યું હતું.
તાલુકા કોંગ્રેસ પ્રમુખનાં આ નિવેદન મામલે જ્યારે પ્રદેશ કોંગ્રેસનાં એક નેતાને પૂછ્યું ત્યારે તેમણે તાલુકા કોંગ્રેસ પ્રમુખે આ પ્રકારનું નિવેદન ન કરવું જોઈએ એમ કહીને જણાવ્યું હતું કે, ખેડૂત વિરોધી સરકારની નીતિઓનાં કારણે આજે ખેડૂતોની હાલત કફોડી બની છે. અને ઓછું હોય એમ અપૂરતાં વરસાદને કારણે વાવણી કરેલો પાક નિષ્ફળ જવાની કગાર ઉપર ઊભો છે ત્યારે આ પ્રકારનું નિવેદન કરવામાં આવ્યું છે.
વાવ તાલુકા કોંગ્રેસનાં પ્રમુખનાં ઉશ્કેરણીજનક નિવેદન સામે હવે નર્મદા નિગમનાં અધિકારીઓ રાજ્ય સરકારમાં ઉચ્ચ સ્તરે ફરિયાદ કરે છે કે નહિ તે જોવું રહ્યું.