વિકાસની સાથે નશાખોરીમાં પણ આગળ વધતો દેશ

મુંબઈ,તા:૧૧ યુવાધન આપણું ભવિષ્ય ઘડે છે, પણ જો તે જ નશાના રવાડે ચડી જાય તો… દેશમાં હાલ નશાનું ખુલ્લેઆમ વેચાણ સરકાર સામે મોટો પડકાર ઊભો કરી રહ્યું છે. પડકાર છે દેશનું ભવિષ્ય ઘડનારી યુવાપેઢીને બચાવવાનો…

જર્મનીની એક સંસ્ખા એબીસીડીના સરવૅના આંકડા જોઈએ તો ખૂબ ચિંતાજનક છે. વિશ્વભરમાં ગાંજાનું સૌથી વધુ વેચાણ ધરાવતાં શહેરોમાં દિલ્હીનું સ્થાન ત્રીજું આવ્યું છે. રાજધાની દિલ્હીમાં 2018ના વર્ષમાં 11.49 અબજ રૂપિયાના ગાંજાનું વેચાણ થયું છે, તો આર્થિક રાજધાની કહેવાતી માયાનગરી મુંબઈ પણ ગાંજાના વેચાણમાં કંઈ વધુ પાછળ નથી.

સરવૅના આંકડા જોઈએ તો પ્રથમ નંબરે ન્યૂયોર્ક, બીજા સ્થાને કરાચી છે, જ્યાં ગાંજાનું ખૂબ મોટું વેચાણ અને સેવન થાય છે. તો કાહિરા, લંડન, મોસ્કો અને ટોરોન્ટોમાં પણ ગાંજાનું વિક્રમી વેચાણ થઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે જ્યાં એક તરફ ભારતના વૈજ્ઞાનિકો ગાંજામાંથી વાહનનું ઈંધણ બનાવવામાં લાગ્યા છે, ત્યાં લોકો નશાની લતમાં પોતાની જાતને હોમી રહ્યા છે. કાનપુરના બાયોકેમિકલ એન્જિનિયરિંગ વિભાગના આસિ. પ્રોફેસર ડો.લલિતકુમાર સિંહે ગાંજામાંથી ઈંધણ બનાવવામાં મોટી સફળતા મેળવી છે.