વિકિપીડિયા ગુજરાતીના 10,000 થી વધું લેખો અશોકભાઈ મોઢવાડિયાએ તૈયાર કર્યા

અશોકભાઈએ વિકિપીડિયા ગુજરાતીના Administrator તરીકે, મિત્રોની મદદ લઈ, દસ હજાર ઉપરાંત લેખોનું સંપાદન કર્યું અને એ લેખ નેટ ઉપર ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ કરાવ્યા. તે ઉપરાંત અશોકભાઈ અને થોડા મિત્રોએ વિકિપીડિયાના બહુભાષી સાહિત્ય પ્રકલ્પ “Wikisource” પર ગુજરાતી ભાષાના સાહિત્ય માટે અલાયદું Domain મેળવ્યું, જે “વિકિસ્રોત” તરીકે ઓળખાય છે, અને તે પર ગુજરાતી સાહિત્ય ઉપલબ્ધ કરાવવાનો કાર્યારંભ થયો. ગાંધીજીની આત્મકથા, ઓખાહરણ, માણસાઈના દીવા અને અખાનું સાહિત્ય એમના કામના જીવતા જાગતા પુરાવા છે.

એમનો પોતાનો એક આગવો બ્લોગ “વાંચનયાત્રા” પણ માણવા જેવો છે. સ્થાનિક મિત્રો સાથે મળી “અભિવ્યક્તિ” નામનું જૂથ બનાવી વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓને ઉપયોગી પ્રવૃત્તિઓ માટે પણ અશોકભાઈ સમય ફાળવે છે. બ્લોગ જગતનાં લોકપ્રિય બ્લોગ “વેબ ગુર્જરી” ના સંચાલક મંડળમાં સામેલ થઈ અશોકભાઈ ગુજરાતી વાંચકોની સેવા કરે છે. તેઓ કહે છે, “કમ્પ્યુટરનું કોઈ અધિકૃત ભણતર ભણ્યો નથી, પણ મિત્રોના સહારે ગણતા ગણતા, ગણતર આવડી ગયું, ને કમ્પ્યુટર પાસેથી ખપજોગું કામ કઢાવી શકું છું. ‘વેબગુર્જરી’નાં વિદ્વાન મિત્રોને જરૂર પડે ત્યારે, આવડત પ્રમાણે, તકનિકી અને ઈ-બૂક્સ બાબતે સેવા આપતા આનંદ અનુભવું છું. અન્ય બ્લૉગમિત્રો પણ મને મારી આવડત પ્રમાણે સેવા કરવાનો મોકો આપે ત્યારે અત્યંત આનંદ થાય છે. માતૃભાષાની સેવાના સેતુબંધ સમા વિશાળ કાર્યમાં ખિસકોલી સમાન યોગદાન આપવા પ્રયાસરત રહું છું.”

અશોકભાઈનો જન્મ ૧૯૬૭માં, મોસાળનાં ગામ, પોરબંદરમાં થયેલો. બાપદાદાનું ગામ નજીકનું વિસાવાડા. મધ્યમવર્ગીય ખેડૂત કુટુંબના એમના પિતા મેરામણભાઈ મોઢવાડીયા જો કે સરકારી કર્મચારી હતા. પ્રાથમિક શાળાના ધોરણ સાત સુધીનો અભ્યાસ એમણે ગામની તાલુકા શાળામાં કર્યો હતો. આઠમા ધોરણનો અભ્યાસ ગામની સરકારી શાળામાં કર્યા બાદ, ધોરણ ૯ થી ૧૨ ના અભ્યાસ માટે જૂનાગઢની વિવેકાનંદ હાઈસ્કૂલમાં દાખલ થયા હતા. બારમા ધોરણમાં અસફળ રહ્યા બાદ એમણે ઈન્દીરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સીટીનો અભ્યાસક્રમ કરી B.Com. ની ડીગ્રી હાંસિલ કરી. શાળાના વર્ષો દરમ્યાન એમણે વક્તૃત્વ હરિફાઈઓ અને સામાન્યજ્ઞાન સ્પર્ધાઓમાં ભાગ લઈ ઈનામો મેળવેલા.

શાળાજીવન દરમ્યાનમાં જ, સ્વાલંબનની ભાવનાથી પ્રેરાઈને, અગરબત્તી બનાવવાના, કાગળની થેલીઓ બનાવવાના અને બુકસેલરને ત્યાં મદદનીશ તરીકે કામ કરવાના, આવા અનેક કામો કરી પોતાના માટે ખીસાખર્ચી મેળવી લેતા. આગળ જતાં ITI માં શિક્ષણ લઈ સ્ટેટ ટ્રાન્સપોર્ટમાં એપ્રેન્ટીસ મિકેનીકનું કામ પણ કરેલું. ઈલેક્ટ્રોનીકસના શોખને લઈ, એ જમાનામાં નવા જ દાખલ થયેલા બ્લેક એન્ડ વ્હાઈટ ટી.વી.ની રચના સમજી લઈ, એમણે ટી.વી. રીપેર કરવાનું અને એસેમ્બલ્ડ ટી.વી. બનાવીને વેંચવાનું શરૂ કર્યું. બસ આમાંથી જ એમનો Electrical Home Appliances Sales and Service નો ધંધો શરૂ થયો.

૧૯૮૯ માં અશોકભાઈના લગ્ન દક્ષા બહેન સાથે થયા. અશોકભાઈના શબ્દોમાં જ “દક્ષા એક ઘરરખુ સ્ત્રી, ઉમદા પત્ની અને આદર્શ માતા છે.” અશોકભાઈ અને દક્ષા બહેનના બે સંતાનોમાંથી દિકરો ઈજનેર થઈ સ્વતંત્ર વ્યવસાય કરે છે અને દિકરી ઈજનેરીનો અભ્યાસ કરે છે.

-પી. કે. દાવડા