વિજય રૂપાણીને સરદાર પટેલનો ઈતિહાસ ખબર નથી

‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ અંતર્ગત એકતા રથ યાત્રાનો સરદાર સાહેબની કર્મભૂમિ ઐતિહાસિક બારડોલી નગરથી પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, સરદાર સાહેબે દેશને એક કર્યો છે ત્યારે એ એકતા અખંડિતતાનો ભાવ 10 હજાર ગામોમાં જન-જનમાં આ એકતા યાત્રા જાગૃત કરશે. વિજય રૂપાણીએ કહ્યું હતું કે, આગામી 31 ઓકટોબર સરદાર જ્યંતિએ સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનો લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે તે ઊંચા માનવીની ઊંચી પ્રતિમા બની રહેશે.

વિજયભાઇ રૂપાણીએ કહ્યું હતું કે સરદાર સાહેબનું જીવન-ઇતિહાસ દુનિયા જાણે સમજે તથા આજની પેઢી સરદાર સાહેબના જીવન આદર્શોથી પરિચિત થાય તે માટે આ યાત્રા સક્ષમ માધ્યમ બનશે. એકતાયાત્રા પ્રારંભ અવસરે સાંસદ સી.આર.પાટીલ, પ્રભુ વસાવા, દર્શનાબેન જરદોશ, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિતીબેન પટેલ, દક્ષિણ ગુજરાતના ધારાસભ્‍યો, પદાધિકારીઓ સહિત મહાનભાવો, ખેડૂતો મોટી સંખ્‍યામાં જોડાયા હતા.

મુખ્યમંત્રીના નિવેદન પર અર્જૂન મોઢવાડિયાની પ્રતિક્રિયા સામે આવી છે જેમા મોઢવાડિયાએ સીએમ પર એવો આક્ષેપ નાંખ્યો છે કે, વિજય રૂપાણીને સરદાર પટેલનો ઈતિહાસ જ ખબર નથી સાથે જ તેમણે કહ્યું છે કે, RSS પર સરદાર પટેલે કેમ પ્રતિબંધ મુક્યો હતો તે મુખ્યમંત્રી જણાવે.

મુખ્યમંત્રીના નિવેદન પર અર્જુન મોઢવાડિયાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે,’CM રૂપાણીને સરદાર પટેલનો ઈતિહાસ જ ખબર નથી, RSS પર સરદાર સાહેબે કેમ પ્રતિબંધ મૂક્યો તે વિશે તેમને કોઇ માહિતી નથી.’ આ સાથે જ મોઢવાડિયાએ માંગ કરી હતી કે, RSS પર પ્રતિબંધનુ કારણ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે મૂકવામાં આવે, વધુમાં તેમને જણાવ્યું કે, વિજયભાઈએ ગુજરાતીઓનો ગુમરાહ કરવા નિવેદન કર્યુ છે. આ સાથે જ મોઢવાડિયાએ વિજય રૂપાણી પર આરોપ લગાવ્યો હતો કે, તેમને છત્રપતિ શિવાજી પ્રત્યે માન નથી.