વિદ્યાર્થીઓએ ભાજપની કચેરીનો બહિષ્કાર કેમ કર્યો ?

ભાજપની ગાંધીનગર ખાતેની પ્રદેશ કચેરીએ સરકારની યુનિવર્સીટીના ચૂંટાયેલાં રાજકીય રીતે ભાજપના સેનેટર તથા સીન્ડીકેટ સભ્યોની હાજરીમાં એક બેઠકમાં વડોદરાના એક વિદ્યાર્થી જૂથ વચ્ચે ભારે બોલાચાલી થઈ હતી અને તેઓએ પ્રદેશના નેતાઓની હાજરી વચ્ચે મળેલી બેઠકનો બહિષ્કાર કરી દીધો હતો.

ભાજપ દ્વારા યોજાયેલા એક વ્યાખ્યાનમાં હાજરી આપવા માટે આ વિદ્યાર્થીઓ આવ્યા હતા. જેમાં વડોદરાની એમ.એસ. યુનિવર્સીટીની જૂથબંધી ખુલ્લીને બહાર આવી હતી. અગાઉની સેનેટ અને સીન્ડીકેટની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને સંઘ પરિવારના સભ્યોની બનાવવામાં આવેલી સંકલન સમિતિએ નક્કી કરેલાં ઉમેદવારોની સામે ચૂંટણી લડનાર કેટલાક સભ્યો ભાજપની ગાંધીનગરની બેઠકમાં હાજર જોતાં વડોદરાના વિદ્યાર્થીઓ ઉશ્કેરાયા હતા. તેઓ તુરંત વિરોધ કરીને બેઠકનો બહિષ્કાર કર્યો હતો.

ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી વ્યાખ્યાન માળામાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય અંગે પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં પ્રદેશ કચેરે રાજ્યભરની તમામ સરકારી યુનિવર્સીટીના સેનેટ તથા સીન્ડીકેટ સભ્યોની ઉપસ્થિતિમાં સત્યમ કુલાબકર નામના સીન્ડીકેટ સભ્ય નજરે પડતાં વડોદરાના ભાજપી સેનેટ અને સીન્ડીકેટ સભ્યોએ નારાજગી વ્યક્ત કરી હતી. સત્યમ કુલાબકર ચૂંટણી લડ્યો હોવાથી તેઓએ વિરોધ પણ પ્રદર્શીત કર્યો હતો. કેટલાક નારાજ થયેલા સભ્યો વ્યાખ્યાનમાળા છોડીને બહાર નીકળી ગયા હતા. આ તબક્કે ભાજપના પ્રદેશના આગેવાનો બહાર દોડી આવ્યા હતા. વડોદરા સ્થિત પ્રદેશના આગેવાન અને વડોદરાના નારાજ સભ્યો વચ્ચે બોલાચાલી થઇ હતી, જો કે, લગભગ એકાદ કલાક સુધી ચાલેલી માથાકુટ પછી સંગઠનના કેટલાક સીનીયર સભ્યો વ્યાખ્યાન માળામાં હાજરી આપી હતી. કેટલાંક છોડીને ચાલી નિકળ્યા હતા.

સેનેટ અને સીન્ડીકેટ સભ્યોમાં ભારતીય જનતા પાર્ટીની વિચારધારાના બે જૂથ વચ્ચે વિખવાદ ચાલી રહ્યો છે. જે ઘણી વખત જાહેરમાં આવી ગયો છે. ફરી એક વખત હવે પ્રદેશ કક્ષાએ તે જાહેર થયો છે.