વિપક્ષનાં નેતા પરેશ ધાનાણીનાં ગઢમાં ભાજપે મોટું ગાબડું પાડ્યું

અમદાવાદ, લોકસભામાં ગુજરાતની 26 બેઠકો પર ભાજપની ભવ્ય જીત બાદ હવે રાજ્યમાં નગરપાલિકાની ચૂંટણીમાં પણ જીત મેળવીને કોંગ્રેસને વધુ એક તમાચો માર્યો છે. વિધાનસભામાં વિપક્ષનાં નેતા પરેશ ધાનાણીનાં અમરેલી જિલ્લાનાં બગસરામાં નગરપાલિકાની પાંચ બેઠકોમાંથી ચાર બેઠકો પર ભાજપે જીત મેળવીને ધાનાણીનાં ગઢમાં મોટું ગાબડું પાડ્યું છે. ચાર બેઠકો ભાજપે જીતી લેતાં હવે પરેશ ધાનાણીની નેતાગીરી ઉપર પણ સ્થાનિક નેતાઓ સવાલ ઉઠાવી રહ્યાં છે.

પાંચમાંથી ચાર ભાજપને અને એક જ કોંગ્રેસને

અમરેલીની બગસરા નગરપાલિકામાં 5માંથી 4 બેઠકો પર ભાજપે કબજો મેળવ્યો છે. જ્યારે 1 બેઠક કોંગ્રેસનાં ફાળે આવી છે. મહત્વનું છે કે બગસરા પાલિકામાં ગયા રવિવારે ચૂંટણી યોજાઈ હતી. અમરેલીમાં સભ્યોની પેટા ચૂંટણીમાં ભાજપનો હાથ ઉપર રહ્યો છે. ભાજપના વિજયી ઉમેદવારોમાં વોર્ડ નં-2માં હંસાબેન માલવીયા 143 મતે વિજય થયા છે. વોર્ડ નં-3 આશાબેન દેશાણી 892 મતે, વોર્ડ નં-3 વિલાસબેન પાધડાલ 780 મતે, વોર્ડ નં-7 શિલ્પાબેન સોંનગરા 120 મતે વિજયી બન્યાં છે. કોંગ્રેસના ફાળે માત્ર 1 બેઠક જયસુખ મેર કોંગ્રેસ ફક્ત 30 મતે વિજયી મેળવી છે.

કોંગ્રેસની નેતાગીરી ઉપર સવાલ

રાજ્યમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનાં કારમા પરાજય બાદ પ્રદેશ કોંગ્રેસની નેતાગીરી ઉપર સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસની જૂથબંધી ચરમસીમા પર બહાર આવી છે. અમરેલી જિલ્લો વિધાનસભામાં વિપક્ષનાં નેતા પરેશ ધાનાણીનો ગઢ ગણાય છે ત્યાં લોકસભાની ચૂંટણી પહેલાં પણ આંતરિક જૂથબંધી સામે આવી હતી અને તે સમયે લોકસભાની અમરેલી બેઠક પરથી ચૂંટણી લડનાર પરેશ ધાનાણીને પણ આ જૂથબંધીનો સામનો કરવો પડ્યો હતો. અને તેમણે અનેક પ્રયાસો કરવા છતાં તેઓ તેમનાં જિલ્લાની જૂથબંધી દૂર નહોતા કરી શક્યાં અને આ જૂથબંધીને કારણે તેમને લોકસભામાં પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો હતો. ત્યારે પ્રદેશ કોંગ્રેસની નેતાગીરી ઉપર આ જૂથબંધી ટાળવા કોઈ પગલાં નહિ લીધા હોવાનો આરોપ પણ મૂકાઈ રહ્યો છે.

કોંગ્રેસનાં તારા વળતાં પાણી

વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં ભાજપનાં સૂપડાં સાફ કરનાર કોંગ્રેસનાં વળતાં પાણીની શરૂઆત થઈ ગઈ છે. અને તેમને લોકસભાની બેઠક ઉપરાંત વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ ભાજપની સામે ઘૂંટણિયે પડી જવું પડ્યું હતું. અને આ સિલસિલો નગરપાલિકાની પેટા ચૂંટણીમાં પણ યથાવત રહ્યો છે.

 

પંચાયતની પેટા ચૂંટણી પર હવે ભાજપની નજર

મહત્વનું છે કે બગસરા નગરપાલિકામાં ખાલી પડેલી પાંચ જગ્યાઓ માટે ચૂંટણીની જાહેરાત થઈ હતી, જેમાં એક બેઠક બિનહરીફ થયા બાદ ગયા રવિવારના રોજ અન્ય ચાર બેઠકો માટે મતદાન યોજાયું હતું. આ જ રીતે તાલુકા પંચાયતોની ખાલી પડેલી બેઠકો માટે પણ ચૂંટણીની જાહેરાત થઈ છે, જેમાં સૌથી વધુ રાજુલા તાલુકા પંચાયતની 6, જાફરાબાદ તાલુકા પંચાયતની 3 અને બાબરા તાલુકા પંચાયતની 1 બેઠક માટે 21મી જુલાઈનાં રોજ મતદાન થશે. ત્યારે ભાજપ હવે આ તાલુકા પંચાયતો પર મીટ માંડીને બેઠું છે અને કોંગ્રેસની આંતરિક જૂથબંધીનો ફાયદો લેવાનો પ્રયાસ ચોક્કસ કરશે એ નક્કી છે.