વિશ્વગુરૂ બનવાના હતા અને ચોકાદાર બની ગયા, સિદ્ધુએ ખેડામાં કહ્યું

કોંગ્રેસના સ્ટાર પ્રચારક નવજોતસિંહ સિદ્ધુએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને પછાડવા માટે ગુજરાતમાં અડીંગો જમાવી દીધો છે. વટામણ ખેડાના કોંગ્રેસના ઉમેદવાર બિમલ શાહનો પ્રચાર કરતા એક સભાને તેમણે સંબોધન કર્યું હતું. સભાને સંબોધતી વખતે નવજોતસિંહ સિદ્ધુએ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. ‘રાહુલ ગાંધી અંદરથી મીઠા છે અને બહારથી પણ મીઠા છે. આ એ જ રાહુલ ગાંધી છે. જેમણે કહ્યું હતું કે, ખેડૂતોના દેવા માફ કરીશ અને ત્રણ રાજ્યોમાં સરકાર બની અને બે કલાકમાં ખેડૂતોના દેવા માફ કર્યા. ગુજરાતના ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. શેના બની બેઠા છો ચોકીદાર? દેશમાં છે ભ્રષ્ટાચાર, યુવાનોને છે 15 લાખનો ઇન્તેજાર, તમે શેના ચોકીદાર, લોકો જાણવા માગે છે કે, માલ્યાને કોણે ભગાડ્યો હતો. શેના ચોકીદાર છો, શું સુરક્ષા કરી દેશની, વિશ્વગુરુ બનાવવા નીકળ્યા હતા અને ચોકીદાર બની ગયા.

નવજોતસિંહ સિદ્ધુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કરતા કહ્યું હતું કે, હું ફકીર છું, હું કાર્યકર્તા છું, વડાપ્રધાન છો કે નહીં એ તો કહો. ચીન સમુદ્ર નીચે રેલ લાઈન નાંખી રહ્યું છે અને ભારતના ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. તમે આ વિસ્તારને સાબરમતીનું શુદ્ધ પાણી આપી શક્યા નથી. લોકો જાણવા માગે છે કે, તેમના ખેતરોમાં કાળું પાણી કેમ આવે છે.