ભારતના ફાયનાન્સિયલ હબ બનાવવા નિકળેલા આપણા રાજનેતાઓ માટે ચોંકાવનારી બાબત એવી છે કે વિશ્વના ટોપ ટ્વેન્ટિ શહેરોમાં ભારત કે ગુજરાતનું એકપણ શહેર ફાયનાન્સિયલ હબ બની શક્યું નથી. આપણે મુંબઇને ફાયનાન્સિયલ કેપિટલ કહીએ છીએ અને ગાંધીનગરના ગિફ્ટ સિટીને ગુજરાતનું ફાયનાન્સિયલ હબ માનીએ છીએ પરંતુ આ બન્ને સિટીનું લિસ્ટમાં નામ ખૂબ પાછળ છે.
ગ્લોબલ ફાયનાન્સિયલ સેન્ટર્સ ઇન્ડેક્ષ (જીએફસીઆઇ) ના 2019ના રિપોર્ટ પ્રમાણે બેસ્ટ અને નંબર વન ફાયનાન્સિયલ હબ તરીકે ન્યૂયોર્કનો નંબર આવે છે. લંડન છે જે 2018માં પ્રથમક્રમે હતું બીજાક્રમે ન્યૂયોર્ક હતું. 2019માં ન્યૂયોર્ક પહેલાક્રમે છે અને લંડન બીજાનંબરે છે. અને ત્રીજાક્રમે હોંગકોંગનો વારો આવે છે. સિંગાપોરનું સ્થાન ચોથું, સાંઘાઇનું સ્થાન પાંચમું અને ટોક્યોનું સ્થાન છઠ્ઠું આવે છે. ભારતમાં ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઉંચું છે છતાં ભારતનું એકપણ શહેર ફાયનાન્સિયલ હબ બની શક્યુ નથી. ગાંધીનગરના ગિફ્ટ સિટી માટે ગૌરવ લેવા જેવી બાબત એવી છે કે તેનો ક્રમ 69મો છે જ્યારે મુંબઇનો ક્રમ 92મો છે.
રિપોર્ટ જ દર્શાવે છે કે ભારત સરકારે હજી ઘણું બઘું કરવાનું બાકી છે. વિશ્વના દેશો પૈકી ભારતનો જીડીપી અગ્રેસર છે તેવા દાવા થાય છે પરંતુ ફાયનાન્સિયલ સેક્ટરમાં ઇન્ડિયા હજી ઘણું પાછળ છે. જીએફસીઆઇના રિપોર્ટમાં સાતમા ક્રમે ટોરન્ટો, આઠમા ક્રમે ઝુરિચ, નવમે બેઇઝિંગ, દસમાક્રમે ફ્રેંન્કફ્રુટ, 11મા ક્રમે સિડની, 12મા ક્રમે દુબાઇ, 13મા ક્રમે મેલબોર્ન, 14 સ્થાને બોસ્ટન, 15મા સ્થાને શેનજેહ, 16મા સ્થાને સાનફ્રાંન્સિસ્કો આવે છે.
વિશ્વના ટોપ ટ્વેન્ટી સિટીમાં 17મા સ્થાને લોસ એન્જેલન્સ, 18મા સ્થાને મોનટ્રેલ, 19મા સ્થાને વાન્કુવેર અને 20મા સ્થાને શિકાગો છે. ભારતના મુંબઇનું સ્થાન વિશ્વના ટોપ ટ્વેન્ટિ સિટીમાં ક્યાંય નથી. એવી જ રીતે ગાંધીનગર સ્થિત ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સ ટેક- સિટી જેને માનવામાં આવે છે તે ગિફ્ટ સિટીનું નામ 69મા ક્રમે છે જ્યારે મુંબઇ 92મા નંબરે સ્થાન પામ્યું છે. વિશ્વના 102 શહેરોમાં ભારતના માત્ર બે શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. દર વર્ષે થનારા સર્વેમાં શહેરોના સ્થાન બદલાતા રહે છે.