દેશ અને દુનિયામાં આજે પાણીની તંગી તીવ્ર બની રહી છે. ત્યારે પાણીનું પ્રદૂષણ અટકાવવું અને દૂર કરવું એ પણ હવે જરૂરી બન્યું છે. એવામાં જર્મન ટેક્નોલોજીથી પ્રેરિત ભારતીય બનાવટનું પાણી શુદ્ધિકરણના મશીનનો ગુજરાતમાં પ્રથમવાર વિસનગરમાં ઉપયોગ કરવામાં આવ્યો છે.
જળ એ જીવન છે અને જીવનમાં જળનું ખૂબ જ મહત્વ રહેલું છે. ત્યારે આજે પાણીનો જથ્થો ઘટી જવો અને પ્રદુષિત થવો એ વૈશ્વિક સમસ્યા બની છે. આ સ્થિતિમાં પાણી પહેલા પાળ બાંધવી એટલે કે પાણીને બચાવવું અને શુદ્ધ રાખવું અતિ આવશ્યક બન્યું છે, ત્યારે દેશમાં રહેલા જળાશયો, તળાવો, નદી નાળા સહિતના જળસ્રોતોમાંથી પાણી ઉપયોગી બને તે માટે હવે ભારતમાં પણ જર્મન ટેક્નોલોજીથી પ્રેરિત પાણી શુદ્ધિકરણનું મશીનનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેના દ્વારા કોઈ પણ જગ્યાએ સંગ્રહિત દૂષિત પાણીને શુદ્ધ કરી શકાતું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
આ દાવાની ખાતરી માટે ગુજરાતમાં પ્રથમવાર વિસનગરમાં દેળીયા તળાવ ખાતે નિદર્શન કરાયું છે. જેમાં જર્મન એક્સપર્ટ દ્વારા ભારતીય ઉત્પાદકોને સાથે રાખી તળાવનું પાણી મશીન કેવી રીતે શુદ્ધ કરે છે તે બતવવામાં આવ્યું છે. તો લોકોના વિશ્વાસ માટે જર્મનીથી આવેલા એક્સપર્ટે મશીનથી ફિલ્ટર થયેલું પાણી જાતે પી લોકોને બતાવ્યું છે.
પાણીનો ઓછો જથ્થો આજે વૈશ્વિક સમસ્યા છે, ત્યારે પાણીનું પ્રદુષણ અટકે અને પ્રદૂષિત પાણી શુદ્ધ થાય એ અતિ આવશ્યક બન્યું છે. તેવામાં આ પ્રકારે પાણી શુદ્ધ કરતું મશીન કે અન્ય પ્રયાસો આગામી દિવસોમાં કેટલા સાર્થક નીવડે છે તે જોવું રહ્યું…!