વીએસ હોસ્પિટલને બચાવી લેવા કોંગ્રેસે રૂપાણીને અપિલ કરી

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને એક પત્ર લખીને ગરીબો માટે સહાય કરતી વી એસ હોસ્પિટલ બચાવી લેવા માટે માંગણી કહી છે.

પત્રમાં જણાવ્યું છે કે, રાજ્‍ય સરકારે રૂા. ૭૫૦ કરોડના ખર્ચે વી.એસ. હોસ્‍પિટલ પરિસરમાં નવી એસવીપી હોસ્‍પિટલ શરૂ કરી છે. નવી હોસ્‍પિટલ શરૂ કરવી તે સારી વાત છે પરંતુ પાછલા બારણે જૂની વી.એસ. હોસ્‍પિટલ બંધ કરવી તે દુઃખદ કૃત્‍ય છે. અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા ગરીબોની જીવાદોરી સમાન વી.એસ. હોસ્‍પિટલને ૫૦૦ પથારીઓની ક્ષમતાવાળી કરીને તેમાંથી સુપર સ્‍પેશ્‍યાલીટી સેવાઓ જેવી કે કાર્ડિયોલોજી, ન્‍યુરો સર્જરી, ગેસ્‍ટ્રો સર્જરી વગેરે સેવાઓ બંધ કરી, નાગરિકોને અંધારામાં રાખી વી.એસ. હોસ્‍પિટલ ટુકડે ટુકડે બંધ થઈ રહી હોય તેમ લાગે છે. અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના આવા નિર્ણયથી અમદાવાદ શહેર અને રાજ્‍યના હજારો ગરીબ અને મધ્‍યમ વર્ગના દર્દીઓને ગંભીર અસર થઈ છે.
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયાસ અને મહાત્‍મા ગાંધીજીના આશીર્વાદથી ૧૯૩૧માં અમદાવાદ શહેરની ઓળખસમી વી.એસ. હોસ્‍પિટલ અને ચિનોઈ પ્રસૂતિ ગૃહ શરૂ થયા હતા. જે-તે વખતે દાતાઓએ આ હોસ્‍પિટલ શરૂ કરવા માટે ૪ લાખ જેવી માતબર રકમ આપી હતી. હોસ્‍પિટલની સ્‍થાપના થઈ તે વખતે આ ૧૨૦ બેડની હોસ્‍પિટલ હતી, જે પછી દીર્ઘદૃષ્‍ટિ શાસકોની વહીવટી સુઝથી ૧૧૫૫ બેડની સંખ્‍યા સુધી પહોંચી હતી. વી.એસ. હોસ્‍પિટલને કારણે જ એનએચએલ મેડીકલ કોલેજ મળી હતી. વી.એસ. હોસ્‍પિટલમાં દર વર્ષે શહેર અને રાજ્‍યના હજારો ગરીબ અને મધ્‍યમ વર્ગના દર્દીઓ સારવાર લે છે. વી.એસ. હોસ્‍પિટલમાં દૈનિક ૧,૬૦૦ દર્દીઓને સારવાર અપાતી હતી અને વર્ષમાં ૨૫,૦૦૦ જેટલી સર્જરીઓ થતી હતી.
વી.એસ. હોસ્‍પિટલને ૫૦૦ પથારીઓની ક્ષમતાવાળી કરીને તેમાંથી સુપર સ્‍પેશ્‍યાલીટી સેવાઓ જેવી કે કાર્ડિયોલોજી, ન્‍યુરો સર્જરી, ગેસ્‍ટ્રો સર્જરી વગેરેનો એકડો કાઢી નાંખવાથી વી.એસ. હોસ્‍પિટલની ઓ.પી.ડી. સેવાઓનો લાભ મેળવતા સાત લાખ અને ઈન્‍ડોર સેવાઓનો લાભ મેળવતા ત્રણ લાખ જેટલા દર્દીઓને અન્‍યાય થયો છે.
અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોએ એસવીપી હોસ્‍પિટલ શરૂ થયાના થોડાક દિવસો બાદ વી.એસ. હોસ્‍પિટલમાં મા અમૃતમ કાર્ડ સેવા બંધ કરી હતી. આ પહેલાં તમામ સુપરસ્‍પેશ્‍યાલીસ્‍ટ ડોક્‍ટરોની નવી એસવીપીમાં બદલી કરી દીધી હતી. જૂની વી.એસ. હોસ્‍પિટલના સર્જરી અને મેડીસીન વિભાગ સહિતના તમામ ૧૬ વોર્ડમાં આઈ.સી.યુ. બેડ બંધ કરી દીધા છે. આ તમામ નિર્ણય સૂચવે છે કે, સત્તાધીશોને વી.એસ. હોસ્‍પિટલના બેડ ૧૧૫૫થી ઘટાડીને ૫૦૦ કરવામાં રસ નથી પરંતુ આખી હોસ્‍પિટલ જ ધીમે ધીમે બંધ કરી દેવી છે. હાલ જુની વી.એસ. હોસ્‍પિટલમાં કાગડા ઉડે છે. આજે ગરીબ અને મધ્‍યમ વર્ગના દર્દીઓ વી.એસ. હોસ્‍પિટલની હાલત જોઈને નિસાસા નાંખે છે.
મેડીકલ પ્રવેશમાં કરોડો રૂપિયાની કમાણી હોઈ દાતા ટ્રસ્‍ટીઓને આ હોસ્‍પિટલના વહીવટમાંથી દૂર કરવા મેટ(મેડીકલ એજ્‍યુકેશન ટ્રસ્‍ટ)ની રચના કરાઈ હતી. ૨૦૦૮માં મેટની રચના કરી મેડીકલ કોલેજનો વહીવટ સોંપી દેવાયો હતો, પરંતુ કોલેજ વી.એસ. હોસ્‍પિટલ સંલગ્ન હતી. મેડીકલ કોલેજ હડપ કરવા માટે રૂા. ૭૫૦ કરોડના ખર્ચે નવી એસવીપી હોસ્‍પિટલ ઉભી કરાઈ છે. નવી હોસ્‍પિટલમાં દરેક સેવાના ભાવ બમણા હોઈ ગરીબ દર્દીઓ આ હોસ્‍પિટલમાં દાખલ થઈ શકે તેમ નથી, જેથી આ હોસ્‍પિટલ ચલાવવા જૂની વી.એસ. હોસ્‍પિટલની સેવાઓ મર્યાદિત કરાઈ રહ્‌યાનું સ્‍પષ્‍ટ દેખાઈ રહ્‌યું છે.
વી.એસ. હોસ્‍પિટલમાં ૧૧૫૫ બેડ ઘટાડીને ૫૦૦ બેડ કરવાનો નિર્ણય લેવાયો છે, પણ એ માત્ર દેખાડા સમાન જ છે. વી.એસ. હોસ્‍પિટલમાં આઈસીયુ બેડ બંધ કરી દેવાય, ઓક્‍સીજન સિસ્‍ટમ બંધ કરી દેવાય, સીટી સ્‍કેન બંધ કરી દેવાય, સર્જરી અને ઓપરેશન બંધ કરી દેવાય, સુપર સ્‍પેશ્‍યાલીટીના સિનિયર ડોક્‍ટરોને નવી હોસ્‍પિટલમાં ટ્રાન્‍સફર કરી દેવાય તો પછી હોસ્‍પિટલ ચાલી જ કેવી રીતે શકે ? હાલ જૂની વી.એસ. હોસ્‍પિટલમાં એકપણ સર્જરી થતી નથી, માત્ર દેખાડા પૂરતી ઓપીડી સેવા ચાલે છે. પ્રજાને આરોગ્‍યવિષયક ઉત્તમ સુવિધાઓ મળે તે માટે આધુનિક સગવડો સાથેની નવી હોસ્‍પિટલોનું નિર્માણ થાય તે અત્‍યંત જરૂરી છે પરંતુ તેની સામે ગરીબ અને મધ્‍યમવર્ગ માટે આશીર્વાદ સમાન વી.એસ. જેવી જૂની હોસ્‍પિટલો બંધ ન થવી જોઈએ.
અમે કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્‍યઓ આપ સમક્ષ માંગણી કરીએ છીએ કે, વી.એસ. હોસ્‍પિટલનું સંચાલન અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશન કરે છે અને કોર્પોરેશન શહેરી વિકાસ વિભાગ હસ્‍તક જ છે. આજે કેન્‍દ્ર, રાજ્‍ય અને અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશન એમ ત્રણેય જગ્‍યાએ ભાારતીય જનતા પક્ષનું શાસન છે. શહેરી વિકાસ વિભાગ આપશ્રી હસ્‍તક છે ત્‍યારે અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વી.એસ. હોસ્‍પિટલ પણ અગાઉની જેમ જ ચાલુ રહે અને તેના માટે જરૂરી ગ્રાન્‍ટ આપો. વી.એસ. હોસ્‍પિટલ ચલાવવા રાજ્‍ય સરકાર વાર્ષિક રૂા. બે કરોડ આપતી હતી અને અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશન રૂા. ૧૦૦થી ૧૫૦ કરોડનો ખર્ચ કરતી હતી. જેઓની પાસે મા વાત્‍સલ્‍ય કાર્ડ કે મા અમૃતમ્‌ કાર્ડ નથી અને આયુષ્‍માન યોજનાનો પણ લાભ જેઓને મળતો નથી તેવા મધ્‍યમ વર્ગના આર્થિક રીતે નબળા વર્ગના દર્દીઓ માટે વી.એસ. હોસ્‍પિટલની સેવાઓ આશીર્વાદ સમાન હતી. આથી, વી.એસ. હોસ્‍પિટલ અગાઉની જેમ જ ચાલુ કરવા માંગણી છે.