વૃક્ષોમાં 13 ટકાનો વધારો

વન વિસ્તાર બહાર વૃક્ષો વાવેતર કરવાથી ૨૦૦૩માં ૨૪.૦૩ કરોડ વૃક્ષો, ૨૦૧૩માં ૩૦.૧૪ કરોડ અને ૨૦૧૭માં ૩૪.૩૫ કરોડ વૃક્ષોમાં તબક્કાવાર વધારો થયો છે અને ૧૩.૯૭ ટકા વધારો કરી શકાયો છે. ઉંઝા, રાજકોટ, આણંદ, વિજાપુર, દસક્રોઈ અને કામરેજ મળીને છ તાલુકાઓમાં રૂ.૨૨૪.૯૨ લાખના ખર્ચે ૩૩૯ હેકટરમાં વાવેતર કરવામાં આવ્યુ હોવાનું વનમંત્રીએ વિધાનસભામાં પ્રશ્નોત્તરીનાં લેખિત જવાબમાં જણાવ્યુ છે.

૨૦૧૮-૧૯માં લીમડા, નીલગીરી, સાગ, ગરમાળા જેવા ૧૦.૧૩ લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. વન વિસ્તાર સિવાયના બહારના વિસ્તારો એટલે કે પડતર જમીનો, ખરાબાની જમીનો, રસ્તા-નહેર- રેલવે અને તળાવની આસપાસની જમીનો મુખ્યત્વે રોપા ઉછેરમાં ઉપયોગમાં લેવામાં આવે છે.

સુરતનાં કામરેજ તાલુકામાં ૧૮ હેક્ટર વિસ્તારમાં કુલ રૂ.૧૦.૧૩ લાખનાં ખર્ચે વાવેતર કરવામાં આવ્યુ છે.
મહેસાણાનાં ઊંઝા તાલુકામાં સામુહિક વન નિર્માણ યોજના હેઠળ ૪૦ હેક્ટર વિસ્તારમાં કુલ રૂ.૩૨.૦૩ લાખનાં ખર્ચે વાવેતર કરવામાં આવ્યુ છે.
અમદાવાદ જિલ્લાનાં દસક્રોઇ તાલુકામાં ૮૧ હેક્ટર વિસ્તારમાં કુલ રૂ.૩૧.૯૩ લાખનાં ખર્ચે વાવેતર કરવામાં આવ્યુ છે.
રાજકોટ તાલુકામાં ૯૪ હેક્ટર વિસ્તારમાં કુલ રૂ.૯૯.૮૦ લાખનાં ખર્ચે વાવેતર કરવામાં આવ્યુ છે.
આણંદ તાલુકામાં ૫૦ હેક્ટર વિસ્તારમાં કુલ રૂ.૧૫.૩૯ લાખનાં ખર્ચે વાવેતર કરવામાં આવ્યુ છે.
મહેસાણા જિલ્લાનાં વિજાપુર તાલુકામાં ૫૬ હેક્ટર વિસ્તારમાં કુલ રૂ.૩૫.૬૪ લાખનાં ખર્ચે વાવેતર કરવામાં આવ્યુ છે.