વેરા ચોરી કરનારા ઉદ્યોગોના કરોડો રૂપિયા રૂપાણીએ માફ કર્યા

ગાંધીનગર : નાણા પ્રધાને બાકી વેરાની રકમ મેળવવા માટે 2016 બાદ ફરી એક વખત સમાધાન યોજના જાહેર કરી છે. નાણાં પ્રધાન સૌરભ દલાલની યોજના નિષ્ફળ રહી હતી. માંડ 1 હજાર વેપારીઓએ રૂ.88 કરોડ જ બાકી વેરા ભર્યા હતા. ત્યારે કુલ 38 હજાર વેપારીઓ હતા. તેમની 10 કરોડ સુધીની રકમ માટે હત. આ વખતે નીતિન પટેલે જે યોજના જાહેર કરી છે તેમાં વેપારીઓ 38 હજારથી ઘટીને 20 હજાર થઈ ગયા છે. અગાઉની નિષ્ફળ યોજના આ વખતે કઈ રીતે સફળ બનાવવી તે હવે વેચાણ વેરા કમિશ્નરના હાથમાં છે.

શું છે નીતિન પટેલની સમાધાન યોજના

નાણામંત્રીએ સેલ્સટેક્સ, વેટ, મોટરસ્પીરીટ ટેક્સ, સીએસટી, એન્ટ્રી ટેક્સ જેવા વેરા માટે 20 હજારથી વધુ વિવાદ પડતર હોવાથી 15મી ઓગષ્ટ થી છ મહિના સમય માટે સમાધાન યોજના જાહેર કરી છે. આ યોજનામાં 100 કરોડથી ઓછી રકમ બાકી હોય અને બાકી નાણાં ભરપાઇ કરવામાં આવશે તો વ્યાજ અને દંડની રકમમાં રાહતો આપવામાં આવશે.

સૌરભ દલાલ નિષ્ફળ રહ્યાં

2016માં આનંદીબેન પટેલની સરકારના નાણા પ્રધાન સૌરભ દલાલે 38 હજાર વેપારીઓના હિતમાં વેચાણ વેરા, વેટની બાકી વસુલાત માટે ૧૦ કરોડ સુધીની બાકી ધરાવતાં વેપારીઓની વ્‍યાજ તથા દંડ સહિતની બાકી રકમની વસુલાતના કેસોનો નિકાલ થાય તે માટે વેટ-વેચાણવેરા સમાધાન યોજના જાહેર કરી હતી. કરચોરીના નોંધાયેલ વેપારીઓ આકારણી આદેશ મુજબ બાકી વેરા તથા વ્‍યાજની પુરેપુરી રકમ તથા દંડની રકમના 25 ટકા ભરપાઈ કરી આપે તો બાકીનો દંડ માફ કરવાની જોગવાઈ આ યોજનામાં કરવામાં આવી છે. જેમાં માંડ રૂ.88 કરોડ આવી શક્યા હતા. 38 હજાર વેપારીઓમાંથી માંડ 1 હજાર વેપારીઓએ જ ચોરીની રકમ ભરી હતી.

નવી યોજના હવે બનશે

નીતિન પટેલે વિધાનસભામાં જાહેરાત તો કરી દીધી પણ તેની યોજના હવે બનશે. વેચાણ વેરા કમિશ્નર પી. ડી. વાઘેલા હવે યોજના બનાવવામાં વ્યસ્ત છે. 2016માં જે યોજના બની તેનો અનુભવ લઈને વાઘેલા નવી યોજના બનાવશે. જેમાં શરતો જેવી બાબતો હવે તેઓ નક્કી કરશે.