શંકરસિંહ ફરી ભાજપને મદદ કરવા મેદાને, પુત્રનું પણ રાજકારણ ખતરામાં મૂકી રહ્યાં છે

પિતા પુત્રનું રાજકારણ

ગુજરાતના મોટાગજાના નેતા શંકરસિંહ વાઘેલા રાજકારણમાં કોઈના સગા થયા નથી. સંઘ પરિવારનું લોહી જેમનામાં છે, તે બાપુ પહેલાં ભાજપ, રાજપા, કોંગ્રેસ અને હવે NCP એમ પાર્ટીઓ બદલતા જાય છે. તેઓએ ખુદી રચેલી પાર્ટીના પણ થઈ શક્યા નથી. ગુજરાતમાં માત્ર બે જ પક્ષ ચાલતાં રહ્યાં છે. જ્યારે ત્રીજો પક્ષ આવે છે ત્યારે તેમાં જે સત્તા સ્થાને હોય એ પક્ષને હંમેશ ફાયદો થતો આપ્યો છે એવું અગાઉ અનેક વખત ગુજરાતમાં બન્યું છે. આમ વાઘેલા જે કંઈ કરી રહ્યાં છે તેનાથી સીધો ફાયદો કોંગ્રેસને નથી પણ ભાજપને છે. અગાઉ તેમણે પોતાના વિશ્વાસુ સાથીઓનો ભોગ લીધો છે હવે તેઓ પોતાના પુત્રનો ભોગ લઈ રહ્યાં હોવાનું રાજકીય નિરીક્ષકો જોઈ રહ્યાં છે.

કોંગ્રેસમાં તક મળતાં તેમણે રાષ્ટ્રીય જનતા પાર્ટી અને 2017માં બનેલી જન વિકલ્પ પાર્ટીનું બાળમરણ કરી નાંખ્યું હતું. આ પાર્ટી તેમણે સત્તા હાંસલ કરવા બનાવી હતી પરંતુ તેઓ શાસનના બે વર્ષ પણ પૂર્ણ કરી શક્યા ન હતા. 1980મા શંકરસિંહ વાઘેલા ભાજપમાં હતા. તેઓ એક વખત ભાજપના પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યાં છે. પાટણ જીલ્લાના સંડેર ગામે શંકરસિંહ વાઘેલાએ હાજરી આપતા તેમજ જીલ્લાના કોંગ્રેસના કાર્યકરો સાથે અને સિધ્ધપુરના કોંગ્રેસ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સાથે ભોજન લીધા બાદ સંડેર ગામના નવરાત્રી મહોત્સવમાં હાજરી આપી હતી. પરંતુ આ અંગે મીડિયાથી દુર રહેવા જાણ કરાતા અનેક તર્ક વિતર્ક વહેતા થવા પામ્યા છે.

શંકરસિંહ વાઘેલાએ પહેલો બળવો સપ્ટેમ્બર 1995મા કર્યો હતો. તેમણે છ મહિના જૂની કેશુભાઇ પટેલની સરકાર ઉથલાવી હતી. ત્યારપછી તેમણે સપ્ટેમ્બર 1996મા સુરેશ મહેતાની ભાજપની સરકાર ઉથલાવી હતી.

તેઓ મુખ્યમંત્રી બન્યા પરંતુ કોંગ્રેસનો ટેકો હોવાથી તેઓ લાંબો સમય શાસન કરી શક્યા નહીં. તેમની સરકાર પર ભ્રષ્ટાચારના આરોપ મૂકીને કોંગ્રેસે ટેકો પાછો ખેંચવાની ધમકી આપતાં શંકરસિંહે તેમના સાથી દિલીપ પરીખને મુખ્યમંત્રી બનાવ્યા હતા.

1998મા તેમના બનાવેલા પક્ષ રાજપામાંથી તેઓ અને તેમના સાથીદારો ચૂંટણી લડ્યા હતા પરંતુ તે સમયે રાજપાને ત્રણ બેઠકો મળી હતી. છેવટે તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. શંકરસિંહ વાઘેલા UPAના શાસનમાં કેન્દ્રીય કાપડ મંત્રીનો હોદ્દો ભોગવી ચૂક્યાં છે. ભાજપના કહેવાથી 2017મા તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપના રાજ્યસભાના તેમના સાથી ઉમેદવારને સમર્થન આપ્યું હતું. તેમણે ભાજપ સાથે જોડાઈને કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલને હરાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે વિફળ રહ્યો હતો.

હવે શંકરસિંહ વાઘેલાએ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી એટલે કે NCPમા જવાનું નક્કી કર્યું છે. તેઓ લોકસભાની ચૂંટણી લડવા માગે છે. તેમણે NCPમાંથી બે બેઠકો માગી છે. NCP એટલે મૂળભૂત કોંગ્રેસ. શંકરસિંહ કોંગ્રેસમાં ફરીથી જોડાઈ શકે તેમ નથી તેથી તેમણે NCP પંસદ કરી છે. નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી(એનસીપી)માં જોડાશે. રાજ્યસભાની ચૂંટણીમાં પણ તેમનો આ વિદ્રોહ નોંધપાત્ર ભૂમિકામાં રહ્યો હતો. તેમનાં સહિત કુલ 14 ધારાસભ્યોએ કોંગ્રેસ સાથે છેડો ફાડયો હતો. ત્યારબાદ શંકરસિંહ વાઘેલા અને તેમના પુત્ર મહેન્દ્રસિંહ નવી ધરી રચી રહ્યાં છે. જેમાં પોતાના પુત્રની આહુતી આપવા તૈયાર થયા છે.

લોકસભાની ચૂંટણીમાં જો બઘું યોગ્ય થયું અને મતદારોએ મત આપ્યા તો શંકરસિંહ વાઘેલા સંસદસભ્ય થશે પરંતુ જો તેઓ હારી ગયા તો ફરી પાછા નવી પાર્ટીની શોધમાં રહેશે. બાપુનો રાજકીય ઇતિહાસ નિરાળો છે. તેઓ આખા બોલા વક્તા છે. હવે પ્રજા પણ તેમની સાથે નથી.

કોંગ્રેસમાં તેઓ જ્યાં સુધી રહ્યાં ત્યાં સુધી કોંગ્રેસ સત્તાની નજીક પણ આવી શકી ન હતી અથવા આવવા દીધી ન હતી. તેઓ હંમેશા એવું કહીને વાંકું પાડતાં હતા કે તેમને કોંગ્રેસ દ્વારા ખુલ્લો દૌર આવામાં આવતો નથી. આમ વાંકું પાડીને તેઓ કોંગ્રેસથી અલગ થયા અને તેમણે 2017ની વિધાનસભામાં કોંગ્રેસને હરાવવા માટે અને ભાજપને જીતાડવા માટે નવો પક્ષ કે મોરચો બનાવ્યો હતો. જેમાં પણ તેઓ નિષ્ફળ રહ્યાં છે. ફરી એક વખત સત્તા માટે હવાતીયા મારી રહ્યા છે.

ફરી એક પ્રયાસ

લોકસભામાં કોંગ્રેસ ફરી સત્તા પર ન આવે તે માટે શંકરસિંહ વાઘેલાએ પોતાનો રાજકીય ખેલ શરૂ કર્યો છે. શંકરસિંહ વાઘેલાએ ગુજરાતમાં કોંગ્રેસ છોડીને ભાજપને ફાયદો કરાવવા માટે અનેક અનીતિ આચરી હતી એવી રીતે હવે તેઓ દેશમાં ભાજપને ફાયદો થાય તે રીતે ત્રીજો મોરચો રચવા માટે છેલ્લાં બે મહિનાથી કામ કરી રહ્યાં છે. જો કોંગ્રેસને અલગ કરીને આ ત્રીજો મોરચો બને તો તેનો સીધો ફાયદો ભાજપને થાય તેમ છે. અરવિંદ કેજરીવાલ જેવા થોડા પક્ષો તેની ટોપલીમાં આવી જાય તો કોંગ્રેસ સત્તા પરથી દૂર રહે તેમ છે. આમ ફરી એક વખત શંકરસિંહ વાઘેલા ભાજપની B ટીમ તરીકે કામ શરૂ કર્યું હોવાનું રાજકીય નિષ્ણાતો માની રહ્યાં છે. તેમની સાથે હજુ કોઈ પક્ષ જોડાયો નથી કે કોઈ પક્ષે તેમને પડખું પણ આપ્યું નથી.

ભાજપ અને કોંગ્રેસ પક્ષને તોડીફોડીને પોતાની રાજનીતિ કરતાં આવેલા શંકરસિંહ વાઘેલા પર પ્રાદેશિક પક્ષો બહુ ભરોસો રાખી શકે તેમ નથી. કારણ કે તેઓએ ગુજરાતના મતદારો અને કાર્યકરો પર પોતાનું પ્રભુત્વ ગુમાવી દીધું છે. તેઓ સોશિયલ મીડિયાનાં કોઈ બાબત મૂકે છે તો પણ તેમને કોઈ રિસ્પોન્સ મળતો નથી. ગુજરાતના રાજકારણમાં વાઘેલાનું સ્થાન હવે ક્યાંય રહ્યું નથી.

શંકરસિંહે તેના ટેકેદારોને એવું કહ્યું હતું કે, લોકસભાની ચૂંટણી આવી રહી છે. જેમાં ભાજપ અથવા કોંગ્રેસ ઉપરાંત બીજા કોઈ પક્ષ હોવો જોઈએ. તે માટે ત્રીજો મોરચો ઊભો કરવો જરૂરી છે. છેલ્લાં બે મહિનાથી વાઘેલા રાષ્ટ્રીય નેતાઓને મળી રહ્યા છે. બંને રાષ્ટ્રીય પક્ષો પ્રજાની મુશ્કેલી દૂર કરવામાં નિષ્ફળ રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસે વાયદા પૂરા કર્યા નથી.

સૂત્રો કહે છે કે, દેશના રાજકીય પક્ષોને વાઘેલા પર સહેજ પણ ભરોસો નથી. તેથી તેમને કોઈ રિસ્પોન્સ મળતો નથી. વાઘેલાએ કોંગ્રેસને દગો કરી વિરોધ પક્ષના નેતા તરીકે છોડીને અને અહેમદ પટેલને મત નહીં આપીને અને ગુજરાતમાં ભાજપની સરકાર બને તે માટે પ્રયાસો કર્યા હતા, તેથી રાજકીય પક્ષોને તેમના પર ભરોસો નથી રહ્યો. ગુજરાતમાં તેમણે ત્રીજો મોરચો બનાવ્યો હતો, જેમાં એક પણ પક્ષ જોડાયો ન હતો. આવું દેશ કક્ષાએ તેમની સાથે કોઈ નહીં જોડાય એવી ટીકા પણ રાજકીય નિરીક્ષકો કરી રહ્યાં છે.

હવે પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા પણ શંરકસિંહના પગલે જઈ રહ્યાં છે.

(દિલીપ પટેલ)