શહિદોને એક કરોડ આપતા ગુજરાતના ધારાસભ્યો

પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા સૈનિકોના પરિવારજનોને ગુજરાતના ધારાસભ્યો મદદ કરી રહ્યા છે.  વિધાનસભાના બજેટ સત્ર પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ભાજપના તમામ ધારાસભ્યોની એક બેઠક મળી હતી. આ બેઠકમાં ભાજપના ધારાસભ્યોની હાજરીમાં શહીદોના પરિવારને એક કરોડ રૂપિયાની સહાય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તો બીજી તરફ ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રજાલક્ષી વિકાસના કામોની વિગતને વિધાનસભા ગૃહમાં રાખીને સરકારના કર્યોને કેવી રીતે ઉજાગર કરવા અને વિવિધ મુદ્દા પર સરકાર પર પ્રહારો કરતી કોંગ્રેસના સવાલોનો જવાબ કઈ રીતે આપવા તેનું માર્ગદર્શન આ બેઠકમાં આપવામાં આવ્યું હતું.

તો બીજી તરફ વિધાનસભાના બજેટ સત્ર પહેલા વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોની પણ એક બેઠક મળી હતી અને આ બેઠકમાં પાંચ દિવસના બજેટ સત્રમાં અલગ અલગ મુદ્દે સરકારનો ક્યાં પ્રકારે ઘેરાવ કરવો તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી અને આ ઉપરાંત આ બેઠકમાં કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ તેમનો એક મહિનાનો પગાર આતંકી હુમલામાં શહીદ થયેલા સૈનિકોના પરિવારજનોને મદદ અર્થે આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા સૈનિકોના પરિવારજનો કોઈ પોતાના લગ્નમાં ચાંદલામાં એકઠી થયેલી રકમ આપીને આર્થિક મદદ કરી રહ્યું છે, તો કેટલાક સરકારી અધિકારી પોતાનો એક દિવસનો પગાર આપીને મદદ કરી રહ્યું છે અને કેટલાક વ્યવસાય સાથે સંકળાયેલા લોકો પોતાના ધંધા વ્યવસાયને એક દિવસ બંધ રાખીને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે.