શહેરની બે પ્રતિષ્ઠિત ક્લબમાં સુરક્ષા ઉપર ઉઠતાં સવાલ

રાજપથ ક્લબમાં સ્વીમિંગ કોચ દ્વારા માર મારવાની ઘટનાની શ્યાહી હજુ સુકાઈ નથી ત્યાં અમદાવાદની પ્રતિષ્ઠિત એવી કર્ણાવતી ક્લબમાં પણ એક વિવાદ બહાર આવ્યો છે. કર્ણાવતી ક્લબમાં મહિલા સફાઈ કર્મચારીની છેડતીનાં મામલાએ તૂલ પકડી છે. જોકે, ક્લબનાં પ્રેસિડેન્ટ જયેશ મોદીએ જણાવ્યું છે કે, તમામ ઘટનાની તપાસનાં અંતે જે કોઈ જવાબદાર હશે તેમની સામે પગલાં ભરાશે.
છેલ્લાં પંદર દિવસથી રાજપથ ક્લબનાં સ્વિમિંગ કોચ ચર્ચામાં છે, ત્યારે હવે શહેરની ફાઈવ સ્ટાર કેટેગરીની કર્ણાવતી ક્લબમાં એક કિસ્સો સામે આવ્યો છે. ક્લબની મહિલા સફાઈ કર્મચારીની છેડતીનો બનાવ બન્યો હોવાની વિગતો બહાર આવતાં ક્લબ મેનેજમેન્ટ હરકતમાં આવ્યું હતું અને ક્લબની બદનામીનાં ડરથી મહિલાની છેડતીનો બનાવ દબાવી દેવાનાં પ્રયાસો શરૂ કરવામાં આવ્યાં છે. એવું કહેવાય છે કે, મહિલા સફાઈ કર્મચારી ક્લબમાં સફાઈ કરી રહી હતી ત્યારે તેનો હાથ પકડીને તેની સાથે જે વ્યવહાર કરવામાં આવ્યો તે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. અને જ્યારે આ ઘટના બની ત્યારે ક્લબનાં ત્રણ ડિરેક્ટર પણ હાજર હોવાનું જાણવા મળ્યું છે. અને આ ત્રણે ડિરેક્ટર આ ઘટના બાદ કશું બોલવા તૈયાર નથી. જોકે, આ ઘટના બાબતે ક્લબનાં પ્રેસિડેન્ટ જયેશ મોદીનો સંપર્ક કરતાં તેમણે કહ્યું કે, સફાઈ કર્મચારીએ કોઈ ફરિયાદ કરી નથી. ક્લબના મેનેજરને કરી હોય તો અમે એક્શન લઈએ પણ મહિલાએ તેના કોન્ટ્રાક્ટરને ફરિયાદ કરી હોય તો અમને ખબર નથી તેમ છતાં અમે ક્લબના સીસીટીવી કેમેરા ચેક કરીને તપાસ કરીશું કે આવી કોઈ ઘટના બની છે કે નહીં તે તપાસીને ત્યારબાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
શહેરની નામાંકિત ક્લબોમાં છેલ્લાં એક મહિના દરમિયાન બનેલી ઘટના બાદ બન્ને ક્લબમાં મહિલાઓની સુરક્ષા ઉપર સવાલો ઉઠવા પામ્યાં છે, ત્યારે હવે જોવું એ રહ્યું કે બન્ને ક્લબનાં મેનેજમેન્ટ તેમ જ પોલીસ દ્વારા કેવાં પ્રકારનાં પગલાં લેવાય છે.