શામળાજી નજીક ૧.૨૦ કરોડનો ચરસનો જથ્થો ઝડપાયો

શામળાજી પોલીસ અને એસઓજી પોલીસે અણસોલ ગામની સીમમાંથી બાતમીના આધારે કાશ્મીર થી વાયા રાજસ્થાન થઈ ગુજરાતમાં એસએક્સ-૪ કારમાં ગુપ્ત ખાના બનાવી અધધ સંતાડીને લવાતો ૨૪.૧૯૦ કી.ગ્રામ નો ૧.૨૦ કરોડ રૂપિયાનો કાશ્મીરી  ચરસનો જથ્થો ઝડપી પાડી ૨  કેરિયર શખ્શોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

શામળાજી રતનપુર ચેકપોસ્ટ ડ્રગ્ઝ માફિયા અને બુટલેગરો માટે ગુજરાતનું પ્રવેશ દ્વાર બની ગયું છે. અમદાવાદ- ઉદેપુર રાષ્ટ્રીય ધોરી માર્ગ હવે માદક પદાર્થો ઘુસાડવા પણ સલામત બની ગયું છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓના પણ આંટાફેરા વધી ગયા છે

મંગળવારે સાંજે શામળાજી પોલીસ અને એસઓજી પોલીસની ટીમે બાતમીના આધારે રતનપુર ચેકપોસ્ટ નજીક ઠેર ઠેર નાકાબંધી અને પેટ્રોલિંગ હાથધરી રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરી બાતમી આધારિત ગોલ્ડન કલરની એસએક્સ-૪ કાર (ગાડી.નં.DL 7 CH 9483 ) કારને અટકાવી તલાસી લેતા કારના પડખામાં ગુપ્ત ખાના બનાવી પ્લાસ્ટિકની બેગમાં સંતાડેલ કાશ્મીરી ચરસના-૨૪ પેકેટ મળી આવ્યા હતા જેનો કુલ વજન ૨૪.૧૯૦ કી.ગ્રામ કીં.રૂ.૧૨૦૯૫૦૦૦ ના જથ્થા સાથે ગુલશન રાધેશ્યામ ચમાર (રહે,અંબાલા,હરિયાણા) અને ગોપાલચંદ્ર સુરતરામ  કોલી (રહે,કુલ્લુ, હિમાચલ પ્રદેશ) ની ધરપકડ કરી કારની કીં.રૂ.૨૦૦૦૦૦ તથા મોબાઈલ નંગ-૩ રૂ.૨૫૦૦,આરોપીઓ પાસેથી મળી આવેલ રોકડ રકમ-૩૮૦૦૦ મળી કુલ રૂ.૧૨૩૩૫૫૦૦નો મુદ્દામાલ જપ્ત કરી કાશ્મીરી ચરસ ભરી આપનાર ગુલામનબી ગુલામરસુલ, અને ગુલામરસુલ (બંને રહે,અનંતનાગ, જમ્મુ) વિરુદ્ધ ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોફિક સબસ્ટન્સીસ એક્ટ મુજબ ગુન્હો નોંધી ઝડપાયેલા બંને શખ્શોને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાશ્મીરી ચરસ ભરી આપનાર શખ્શોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

શામળાજી પોલીસ અને એસઓજીની સંયુક્ત ઓપરેશનમાં કારમાંથી ઝડપાયેલ ૧.૨૦ કરોડનો જથ્થો ગુજરાતમાં કોને પહોંચાડવાનો હતો અને ગુજરાતમાં યુવાનોને નશાના રવાડે ચઢાવી નશાનો કાળો કારોબાર ચલાવનાર રેકેટનો પર્દાફાશ કરવા મથામણમાં લાગી હોવાની માહિતી પોલીસ સૂત્રો પાસેથી મળી હતી.

આ ઘટનામાં ઊભા થતાં પ્રશ્નો

24 કલાકથી કેમ ગુપ્તતા રાખવામાં આવી રહી છે?

પોલીસ કેમ કંઈ જાહેર કરતી નથી?

ચસર હતું કે બ્રાઉનસુગર હતું તે હજું કેમ છૂપાવવામાં આવી રહ્યું છે?

કુલ કેટલો જથ્થો હતો તે જાહેર કરાયું નથી?

બેની ઘરપકડ બતાવી છે પણ બીજા બે કોણ હતા?

આમ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યાં છે. જેનો તુરંત જવાબ પોલીસે આપવો જોઈએ.