શાળાઓમાં ઈ-સુરક્ષા અભિયાનનો પ્રારંભ

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી તેમજ જીટીયુ સેન્ટર ફોર સાયબર સિક્યુરિટીના ઉપક્રમે શાળાઓમાં ઈ-સુરક્ષા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અભિયાનના પ્રથમ તબક્કામાં અમદાવાદ અને ગાંધીનગરની ચાર શાળાઓના ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવશે.

જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો.(ડૉ) નવીન શેઠે આ માહિતી આપતા કહ્યું હતું કે યુનિવર્સિટીની સામાજિક જવાબદારીના ભાગરૂપે ગુજરાત પોલીસના સહયોગથી અમે આ અભિયાન હાથ ધરવાનું નક્કી કર્યું છે. જીટીયુમાં સાયબર સુરક્ષા વિષે અનેક કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. તેમાં વિશ્લેષણ કરતા કરતા અમને એક બાબત ધ્યાનમાં આવી કે સાયબર ગુનાઓનો ભોગ વધુમાં વધુ કિશોરો બને છે. તે બાબતને ધ્યાનમાં રાખીને અમે રાજ્યભરમાં જનજાગૃતિ લાવવાનો નિર્ધાર કર્યો છે. આ મિશન અંતર્ગત સાયબર સુરક્ષા સાથે સંકળાયેલા રાજ્ય પોલીસ અધિકારીઓ તેમજ જીટીયુના નિષ્ણાતો શાળાઓમાં જશે અને વિદ્યાર્થીઓને સાયબર સુરક્ષાને લગતા અગમચેતીના પગલા વિશે જાણકારી આપશે.

આ અનોખા મિશન અંતર્ગત સૌપ્રથમ કાર્યક્રમ ગાંધીનગરના એમ.બી. પટેલ સાર્વજનિક વિદ્યાલયમાં યોજવામાં આવ્યો હતો. જેમાં ગાંધીનગર પોલીસના સાયબર સેલના પી.એસ.આઈ ડી.ડી. રહેવર તેમજ જીટીયુના સાયબર નિષ્ણાંત કૌશિક ગોહિલ, હેનીલ કોલારવાલા અને દીપક ઉપાધ્યાયે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. તેઓએ મુખ્યત્વે એ બાબતો પર ભાર મૂક્યો હતો કે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતી વખતે કેવા પગલા લેવા, ઓનલાઇન ખરીદી કરતી વખતે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે કઈ કઈ બાબતોની સાવચેતી રાખવી, સાયબર કેફેમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરવા જાઓ ત્યારે કઈ બાબતોનું ધ્યાન રાખવું તે બધા વિશે જાણકારી આપવામાં આવી હતી. આ પ્રસંગે જીટીયુના ડિરેક્ટર ડૉ. મકરંદ કરકરે તેમજ  ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ ફાર્મસીના ડિરેક્ટર ડૉ. રાજેશ પરીખ પણ ઉપસ્થિત હતા. સમગ્ર કાર્યક્રમ શાળાના પ્રિન્સીપાલ બળદેવભાઈ પટેલના સહયોગથી સફળ બન્યો હતો.

જીટીયુના આગામી કાર્યક્રમો અમદાવાદની નવરંગ સ્કૂલ, ગાંધીનગરની કુડાસણ પ્રાથમિક અને માધ્યમિક શાળા તથા ગાંધીનગરના નવયુગ વિદ્યાલયમાં યોજવામાં આવશે. આ મિશન અંતર્ગત વિદ્યાર્થીઓને એ બાબતની પણ જાણકારી આપવામાં આવે છે કે સોશિયલ મીડિયાનો યોગ્ય રીતે ઉપયોગ ન કરવામાં આવે તો તેના પરિણામો કેવા આવે અને કાયદાકીય રીતે કેવા પગલા લેવાઈ શકે, એટીએમમા નાણાં ઉપાડતી વખતે કેવી કાળજી લેવી, એમ કાર્યક્રમના કો-ઓર્ડીનેટર દીપક ઉપાધ્યાયે જણાવ્યું હતું.