વિદ્યાર્થીઓની હાજરી ઓનલાઈન ભરાશે, સાબરકાંઠા જિલ્લામાં પ્રથમ દિવસે જ વેબસાઈટ ઠપ્પ થતાં હાલાકી
સાબરકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી ઓનલાઈન ભરવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. દીવાળી વેકેશન બાદ શરૂ થયેલા બીજા સત્રના પ્રથમ દિવસથી ફરજિયાત ઓનલાઈન હાજરી નોંધવાનો આદેશ તો કરાયો છે. પણ ઓનલાઈન હાજરી ભરવાની વેબસાઈટ જ દિવસભર ઠપ રહે છે અને જેને પરિણામે હાજરી ભરવી મુશ્કેલ બની ગઈ છે.
શિક્ષણ વિભાગે અવનવા કિમિયા તો શિક્ષણમાં અમલી કરી દીધા, પરંતુ તેને સફળ બનાવવા માટે જાણે કે કચાશ દાખવવામાં આવતી હોય એવું ફલિત થાય છે. અને આવો જ એક દાખલો શિક્ષણ વિભાગે ઓનલાઈન હાજરી માટે કિસ્સામાં જોવા મળ્યો. સાબરકાંઠા સહિત રાજ્યભરમાં દિવાળી વેકેશન બાદ ઓનલાઈન હાજરી ફરજિયાત કરવા માટેનો ફતવો જારી કરી દેવામાં આવ્યો છે. પરંતુ શિક્ષકો અને આચાર્યો જ્યારે ઓનલાઈન હાજરી ભરવા માટે વેબસાઈટ ખોલે એટલે જ જાણે કે વેબસાઇટ હેંગ થઇ જાય છે અને શિક્ષકો દ્વારા અનેકવાર પ્રયાસો છતાં પણ વેબસાઈટ ખૂલતી જ નથી. ઉપરથી હાજરી નહીં ભરી હોવાના આક્ષેપનો ભોગ બનવું પડતું હોય છે. પરિણામે ઉચ્ચ અધિકારીઓના ઠપકા સાંભળવાની નોબત આવતી હોય છે. જોકે હવે સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પણ આ મુદ્દે શિક્ષણ વિભાગમાં ફરીયાદો અને રજુઆતોની પ્રક્રીયા હાથ ધરી છે.
એક એક શાળામાં બસ્સોથી અઢીસો જેટલા વિદ્યાર્થીઓ સામાન્ય રીતે અભ્યાસ કરતા હોય છે. પરંતુ આવડી મોટી સંખ્યાની હાજરી ભરવાનો પ્રયાસ કરતાં જ સર્વર ડાઉન થઈ જાય છે. એક સાથે મોટી સંખ્યામાં રાજ્યભરમાંથી હાજરી ભરવા માટે એક સાથે જ વેબસાઈટ ખોલવામાં આવતી હોય છે અને તેમાં અપડેટ પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે. પણ જાણે કે ટેક્નિકલ રીતે અસુવિધાજનક રીતે વેબસાઈટ શિક્ષણવિભાગે તૈયારી કરી હોય એમ ઓનલાઈન હાજરી ભરી શકાતી જ નથી અને પરિણામે સર્વર ડાઉનની મુશ્કેલીઓ વચ્ચે દિવસભર હાજરી ભરવાથી દૂર રહેવાની નોબત સર્જાતી હોય છે. વિદ્યાર્થીઓની હાજરી વિશે જોઈએ તો પ્રથમ દિવસે માત્ર ૧૩ ટકા જેટલી જ હાજરી ભરી શકાઈ હતી અને આવી જ સ્થિતી બીજા દિવસે પણ રહી હતી. આમ વિદ્યાર્થીઓની હાજરી અપડેટ નહીં થતાં ઉચ્ચ અધિકારીઓના ઠપકા પણ આચાર્યો અને શિક્ષકોએ સાંભળવા પડી રહ્યાં છે. જોકે હવે શિક્ષણ વિભાગના અધિકારીઓ કહી રહ્યા છે કે આનો ઉકેલ ટૂંક સમયમાં જ મેળવી લેવામાં આવશે.
શિક્ષણ વિભાગમાં નિતનવી યોજનાઓ તો અમલમાં મુકવા માટે હોંશભેર ઉત્સાહ દર્શાવી અધિકારીઓ સરકારમાં પોતાની છાપ સારી પાડવા જતાં હોય છે. પરંતુ આ યોજનાઓ પ્લાનિંગ વિના જાણે કે ગતકડાં જ સાબિત થતી હોય છે અને બાદમાં અભેરાઈએ ચડી જતી હોય છે. આમ લાખ્ખો કરોડોના ખર્ચે આ નવી યોજના અમલમાં મુક્યા બાદ તેને સફળ બનાવવા ઉચ્ચ કક્ષાએથી જ પ્રયાસ હાથ ધરાય એ પણ શિક્ષકો પાસેથી રખાયેલી અપેક્ષા જેટલી જ મહત્વની છે.
ગુજરાતી
English




