થોડાં સમય પહેલાં રાજ્યની ખાનગી શાળાઓમાં બેફામ રીતે વાલીઓ પાસેથી વસૂલાતી ફી સામે વાલીઓએ મોરચો માંડ્યો હતો. જે આજે પણ ચાલુ છે અને આ મામલો સુપ્રીમ કોર્ટમાં હજુ આખરી સુનાવણી માટે પેન્ડીંગ છે. જે રીતે ખાનગી શાળાઓ ફી વસૂલતી હતી તેની સામે રાજ્ય સરકારે ફી નિયમન ધારો લાગુ કર્યો, પરંતુ શાળા સંચાલકોની શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સાથેની મિલીભગતનાં કારણે આ નિયમનું યોગ્ય રીતે પાલન ન થયું. શાળા સંચાલકોની મનમાની સામે શિક્ષણ મંત્રી પોતાનાં હથિયાર હેઠે મૂકી દેતા હોવાથી ત્રસ્ત વાલીઓએ એક મંડળ બનાવીને સુપ્રીમ કોર્ટમાં આ મામલે અરજી કરી અને તેમાં સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને ફટકાર આપીને રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયેલી ફી વસૂલવાનો વચગાળાનો આદેશ કર્યો હતો. પરંતુ આજે પણ રાજ્યની ઘણી શાળાઓ એક યા બીજા કારણો આગળ ધરીને ખોટી રીતે વાલીઓ પાસેથી ફી વસૂલવાનું ચાલુ જ રાખ્યું છે. તેમ છતાં રાજ્યનું શિક્ષણ વિભાગ કે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા એક હરફસુદ્ધાં નથી ઉચ્ચારતાં. શિક્ષણમંત્રી હંમેશા એક જ વાત કહે છે, “તપાસ કરીશું અને યોગ્ય પગલાં ભરીશું.”