શિયાળુ વાવેતરમાં ખેડૂતોનો આ વખતનું વલણ ચાણા, જીરૂ, મકાઈ અને ઘઉં તરફ જોવા મળી રહ્યું છે. તેની સામે બટાટા, જુવાર, લસણ, ડૂંગળી, શેરડી તરફ ઓછું જોવા મળી રહ્યું છે. વારંવાર વરસાદના કારણે સુકો ચારો પલળી ગયો હોવાથી લીલા ઘાસચારા તરફ ખેડૂતો આકર્ષાઈ રહ્યાં છે.
ઘઉં : ગયા વર્ષે પાણીની તંગી હોવાથી ખેડૂતો ઘઉંથી દૂર રહ્યા હતા. પણ આ વખતે ભૂગર્ભ અને બંધ-તળાવમાં ભરપુર પાણી હોવાથી ઘઉંનું વાવેતર ગયા વર્ષે 6.25 લાખ હેક્ટરની સામે અત્યારે એજ સમય ગાળે 9.29 લાખ હેક્ટર થઈ ગયું છે. જે છેલ્લાં 3 વર્ષની સરેરાશ કરતાં 101.49 ટકા વધું છે. દેશમાં ઘઉંનું સરેરાશ ઉત્પાદન ઘટે તેની શક્યતા સામે ગુજરાતમાં ઉત્પાદન વધશે તે આ વાવેતર પરથી વાત પાકી થઈ છે.
મકાઈ : સામાન્ય રીતે ગુજરાતના મેદાની પ્રદેશોમાં મકાઈ ઓછી ખવાય છે. પણ પહાડી પ્રદેશોમાં મકાઈ સારા એવા પ્રમાણમાં ખાવામાં આવે છે. પહાડોમાં વસતા આદીવાસી લોકોએ મકાઈનું સારું એવું વાવેતર કર્યું છે. ગયા વર્ષે 80 હજાર હેક્ટરની સામે આ સમયે જ 1.15 લાખ હેક્ટર વાવેતર થઈ ગયું છે. હજુ વાવેતર વધશે. આમ મકાઈ તરફ ખેડૂતો વધારે આકર્ષાઈ રહ્યાં છે.
ચણા : ચણામાં સામાન્ય વાવેતર કરતાં આ વખતે વિક્રમજનક 130 ટકા વાવેતર થયું છે. ગયા વર્ષે આ સમયે 1.62 લાખની સામે આ વર્ષે 2.75 લાખ હેક્ટરમાં વાવેતર થઈ ચૂક્યું છે. જ્યાં ઓછો વરસાદ પડે છે ત્યાં મોટા ભાગે ચણાનું વાવેતર થતું જોવા મળે છે. આ વખતે ઓછા વરસાદના પ્રદેશોમાં પણ સારો વરસાદ થયો હોવાથી ત્યાં વાવેતર વધું જોવા મળે છે. છેલ્લાં 3 વર્ષથી ચણાના ભાવ પાક લેતી વખતે સ્થિર જોવા મળ્યા છે તેથી આ પણ એક કારણ માનવામાં આવે છે.
જીરું : જીરું અત્યંત સંવેદનશીલ પાક છે. છતાં આ વખતે જીરુંનું વાવેતર સરેરાશ કરતાં વધું છે. ગયા વર્ષે આ જ સમયે 3.06 લાખ હેક્ટરની સામે હાલ 3.75 લાખ હેક્ટર વાવેતર થઈ ગયું છે. જે છેલ્લાં 5 વર્ષનો વિક્રમ છે. સરેરાશ કરતાં 112 ટકા વધું વાવેતર જોવા મળે છે.