શેઢા પાળા પર કેવા વૃક્ષો વાવવા

શેઢા ઉપર વૃક્ષો કેમ ઉગાડવા જોઈએ ?
શેઢા ઉપર વૃક્ષો વાવવાથી સીધો પવન કે જે આપણા પાકને નુકશાન કરે છે, જો વૃક્ષો વાવેલા હોય તો તે પવન અવરોધકનું કામ કરે છે અને ખેતરના શેઢા પાળાનું ધોવાણ થતું અટકાવે છે.
પવન તેમજ તાપમાનમાં ઘટાડો થતાં ખેતરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ જાળવે છે.
કેટલાક ઘાસચારામાં ઉપયોગી વૃક્ષો વાવવાથી પશુપાલકોને ઢોર માટે લીલો ઘાસચારો ઉનાળાના સમયે મળે છે.
કેટલાક શાકભાજીમાં વપરાતા સરગવા જેવા ફળાઉ વૃક્ષ વગેરેને વાવવાથી શાકભાજી તેમજ ફળ સરળતાથી મેળવી પૂરક આવક મેળવી શકાય છે.
કેટલાક ઈમારતી લાકડું આપતા વૃક્ષો વાવવાથી જરૂરી ખેત ઓજારો તેમજ ઘર માટે ઈમારતી લાકડું મળે છે.
બળતણ માટેનું જરૂરી લાકડું મળે છે.
કેટલાક વૃક્ષો કે જે નાઈટ્રોજન ઉમેરી શકે તેવા વૃક્ષો વાવવાથી. ખેતરમાં પોષક તત્ત્વો ઉમેરાતા પાક સારો થઈ શકે છે.
શેઢા ઉપરના વૃક્ષોથી થતા કેટલાક ગેરફાયદા
શેઢાની આજુબાજુના વિસ્તારમાં પાકનું ઉત્પાદન થોડું ઓછું થાય છે.
ઘણીવાર વૃક્ષો જીવાત માટે સહારો પૂરો પાડે છે જેથી પાકને નુકશાન થાય છે.
વૃક્ષોના પાન, ડાળી, ફળ વગેરે નીચે પડવાથી નીચેના પાકને નુકશાન થઈ શકે છે.
અવર-જવરમાં વૃક્ષો નડતરરૂપ થઈ શકે છે.
વૃક્ષો પક્ષીઓનું રહેઠાણ હોવાથી પાકને નુકશાન થઈ શકે છે.
વૃક્ષોની પસંદગી કરવા માટે કેટલીક ધ્યાનમાં રાખવા જેવી બાબતો
વૃક્ષો એવા પસંદ કરવા કે જેના ફળ, ફ્લ,પાન, છાલા વગેરે પાકને આડકતરી રીતે નુકશાન ન કરતા હોય અને જમીનમાં સારી રીતે અને જલદીથી સડીને ને ભળી જતા હોય.
નાઈટ્રોજન તેમજ અન્ય પોષક તત્ત્વો જમીનમાં ઉમેરી શકે તેવા વૃક્ષો વાવવા જોઈએ.
વૃક્ષના પાંદડા, ફળ, ફ્લ, ડાળી વગેરે એક યા બીજી રીતે ઉપયોગી હોવા જોઈએ.
વૃક્ષો કાપવાથી બીજીવાર જલદીથી ફૂટી નીકળે તેવા તેમજ તેની ડાળી તેમજ પાંદડા વારંવાર કાપી શકાય તેવા હોવા જોઈએ જેથી બળતણ તેમજ જરૂરી ઘાસચારો મળી રહે. દા.ત. ખીજડો, સુબાવળ, અરડુસો.
વૃક્ષ ઓછી ઘટાવાળું હોય અને જેના મૂળ જમીનમાં ઊંડે સુધી જતા હોય તેમજ પાકને છાંયો ન રહે તેમજ સારી ઊંચાઈવાળા હોવા જોઈએ.
વૃક્ષોનો વિકાસ ઝડપથી થાય તેવા હોવા જોઈએ. દા.ત. અરડુસો, નીલગીરી
વૃક્ષની ડાળીઓ પવન દ્વારા તૂટી ન જાય તેવી હોવી જોઈએ.
શેઢાપાળા ઉપર વાવી શકાય તેવા મહત્ત્વના વૃક્ષો
શાકભાજી: સરગવો.
ફૃળ : આમળા, સીતાફળ, કોઠું, ગંદો, બોરડી, જાંબુ, પીલું, લીંબુ અને ગોરસ આમલી.
ફ્લ : કેસુડો, આગથીઓ, પીળો ગરમાળો.
ઈમારતી લાકડું : સાગ, સેવન, મહોગની, લમ, હલદું, અર્જુન સાદડ, શરૂ.
વળી તેમજ ટેકા માટે : નીલગીરી, સુબાવળ, શરૂ, મેજીયમ.
બળતણ : સુબાવળ, શરૂ, અગથીઓ, ખીજડો, સંદેશરો, શેવરી, ઓસ્ટ્રેલીયન બાવળ, મેજીયમ.
ચારા તરીકે : સુબાવળ, ખીજડો, પીલું, દેશી બાવળ, વાંસ.
પલ્પ, પેપર, દીવાસળીની સળી તેમજ પેકિંગ કેસીસ :અરડૂસો, શીમળો, નિંબાળો.
રોપા મેળવવાના સ્થળો
તાલુકામાં આવેલ સામાજિક વનિકરણની નર્સરીમાંથી પરીક્ષેત્ર વન અધિકારીશ્રીનો સંપર્ક કરવાથી જરૂરી રોપા મળે છે, પરંતુ જેટલા રોપા જોઈએ તે અગાઉથી જણાવવામાં આવે તો સરળતાથી મળી શકે છે.

રોપા વાવવા માટે કેટલીક ધ્યાનમાં રાખવા જેવી બાબતો
સૌ પ્રથમ શેઢાપાળાને સફાઈ કરી ઘાસ વગેરે કાઢી જરૂર મુજબ અંતર રાખી ખાડા ખોદવા તેમજ મોટા વૃક્ષોને પૂર્વ પશ્ચિમ રોપવા જેથી સરખો સૂર્યપ્રકાશ મળી રહે.
ખાડામાં જરૂરી સેન્દ્રિય ખાતર અને ઉધઈનાશક દવાઓ ક્લોરપાઈરીફોસીઈમિડાક્લોરોપીલ ૩ મિ.લિ./૧૦ લિટર પાણીમાં ભેળવી ખાડામાં મિશ્રણ કરવું.
વન વિભાગથી લાવેલા રોપાને પ્લાસ્ટિક સારી રીતે ચીરીને કાઢવું અને ખાડામાં મૂક્યા પછી પગથી બરાબર માટી દબાવવી જેથી તેના મૂળ ઝડપથી ચોંટી જાય.
જરૂરી પાણી તેમજ નિંદણ કરવું અને જરૂર પડે તો પ્રાણીઓથી બચાવવા કાંટાની વાડ કરવી.