શેરડીમાં ખેડૂતોને ઓછા ભાવ

સૌરાષ્ટ્રના ગોળના કોલા અને દક્ષિણ ગુજરાતની ગણાતી ગણદેવી, બારડોલી, ચલથાણ, મઢી સુગર ફેક્ટરીઓએ 31 માર્ચ 2019ના રોજ શેરડીના ભાવ જાહેર કરતાં ખેડૂતોમાં ચિંતાનું મોજું જોવા મળે છે. ગયા વર્ષે ખોટ પર ગયેલા ખેડૂતોને આ વર્ષે તેનાથી પણ ઓછા ભાવ મળશે. ટન દીઠ સરેરાશ રૂ.80થી 115 જેટલો ભાવ ઓછો જાહેર કર્યો છે. ગણદેવી સુગર ફેક્ટરીએ સૌથી વધુ ભાવ ટનદીઠ 3035 ત્યારબાદ બારડોલી સુગર ફેક્ટરીએ 2753 રૂપિયા જાહેર કર્યો હતો. ચલથાણ સુગર ફેક્ટરીએ 2626, મઢી સુગર ફેકટરીએ 2501, મહુવા સુગર ફેકટરીએ 2505, કામરેજ સુગર ફેક્ટરીએ તથા સાયણ સુગર ફેકટરીએ 2676 ભાવ જાહેર કર્યો હતો. મહારાષ્ટ્રમાં રૂ.3000 ભાવ નક્કી કર્યા છે અને ખેડૂતો રૂ.3400ની માંગણી કરી રહ્યાં છે. ગુજરાતના ખેડૂતોની પડતર ઉંચી હોવાથી તેમને રૂ.3500થી નીચે ભાવ કોઈ રીતે પોશાય તેમ નથી. ખેડૂતો મહારાષ્ટ્રમાં શેરડી આપશે એવું જણાય રહ્યું છે. છેલ્લાં 5 વર્ષમાં સૌથી નીચા ભાવ ખેડૂતોને મળશે. કેન્દ્ર અને ગુજરાતમાં ભાજપની સરકાર હોવા છતાં ગુજરાતના ખેડૂતોને માર પડી રહ્યો છે. 6 વર્ષના સમયગાળામાં શેરડીના ઉત્પાદન ખર્ચમાં બે ઘણો વધારો થયો છે. રાસાયણિક ખાતર, મજૂરી, ખેડ કે અન્ય ભાવો આસમાને છે. જ્યારે શેરડીના ભાવ તળિયે જઈ રહ્યા છે. ત્રણ વર્ષથી ચોમાસુ નબળું રહે છે. પરિણામે બંધની નહેરમાંથી પૂરતા પ્રમાણમાં પાણી પણ મળતું નથી. શેરડીનું ઉત્પાદન પણ ઘટી રહ્યું છે. શેરડીના 7 વર્ષના ટનદીઠ ભાવ

સૌરાષ્ટ્રમાં શું સ્થિતી

ગીર વિસ્તારના સુત્રાપાડા, ઉના, કોડિયાનમાં શેરડીનું ઉત્પાદન સારું એવું થાય છે. અહીં ત્રણ સુગર મિલ હતી પણ તે બંધ કરી દેવામાં આવી છે. અહીં હવે ગોળ માટે જ શેરડી વપરાય છે. બે મહિના પહેલા અહીં ભાવ નક્કી થયા તેમાં એક ટનના રૂ.2100 નક્કી કરાયા હતા. જે બે અઠવાડિયાથી રઘટીને 1600 કરી દેવામાં આવ્યા છે. તેથી ગોળના ભવ ડબ્બે ઘટીને રૂ.600થી ઘટી રૂ.425 થઈ ગયા છે. ગયા વર્ષે અહીં 48 લાખ ડબ્બાનું ઉત્પાદન થયું હતું. તે ઘટીને હવે માંડ 25 લાખ ડબ્બા થઈ જશે. ખેડૂતોએ અહીં શેરડી ઉગાડવાનું ઘટાડી દીધું છે. નવા ભાવો બાદ હજુ પણ સરકાર દ્વારા ખાંડ ઉદ્યોગને ટકાવી રાખવા શેરડી પકવતા ખેડૂતો માટે ખાસ નીતિ બનાવે તે જ જરૂરી થઈ પડ્યું છે. મહારાષ્ટ્રમાં રૂ.3000 ભાવ નક્કી કર્યા તેમ છતાં ખેડૂતોએ તેનો વિરોધ કરીને રૂ.3400 ભાવ આપવાની માંગણી કરી છે. વૈશ્વિક બજારમાં ખાંડ ઉધોગની પરિસ્થિતિ નબળો પડી રહી છે. ગુજરાતની સહકારી ધોરણે ચાલતી 11 સુગર મિલ પણ આફતમાં આવે તેમ છે. 26 માર્ચ 2019માં ગુજરાત ખાંડ ઉધોગ સંઘની બેઠક સુરત જીલ્લાના ચલથાણ સુગર ખાતે મળી હતી. ગુજરાત ખાંડ ઉધોગ સંઘના પ્રમુખ ઇશ્વર પટેલ, ઉપપ્રમુખ કેતન પટેલ,ઘનશ્યામ પટેલની હાજરીમાં સ્ટોકવેલ્યુ રૂ.3100 નક્કી કરાયો હતો. બ્રાઝિલ બાદ ભારત વિશ્વમાં શેરડીનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ છે. માર્કેટિંગ વર્ષ (ઓક્ટોબરથી સપ્ટેમ્બર) 2017-18 દરમિયાન ભારતમાં 322.5 લાખ ટન શેરડીનું ઉત્પાદન થયું હતું.