શેવાળની ખેતી

27 DECEMBER 2012 કરણ રાજપુત

અનેક ગુણોથી ભરપૂર એવી સ્પીરૃલીના શેવાળની ખેતી કરીને માંડવી ગામના શિક્ષિત યુવાન બંધુઓએ ખેતીમાં નવો ચીલો ચાતર્યો

આજના યુગમાં ખેતીવાડીમાં કંઇક નવું કરવાના વિચારો સાથે ભણતરનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો ચોક્કસપણે સફળતાનાં શિખરો સર કરી શકાય છે. ખેતીમાં રસ ધરાવનાર પૂરી લગન સાથે મહેનત કરે તો ચોક્કસ સફળતા મળે છે. પ્રયોગશીલ ખેડૂતો કંઈક નવા સંશોધનો કરતા જ હોય છે. નવા નવા વિચારો સાથે ટેકનોલોજીનો સહારો લેવાય તો ખેતીમાં પણ ઉત્કૃષ્ઠ પ્રદાન આપી શકાય છે. સુરત જિલ્લાના માંડવી તાલુકાના આવા જ બે શિક્ષિત ભાઈઓ રામ અને બલરામે કંઈક નવું કરવાની હામ સાથે ખેતીમાં નવું સંશોધન કર્યું છે.

એમ.એસસી આઈટી સુધી ભણેલા રામ અને એમ. ટેક ઈન બાયોટેકનોલોજીનો ઉચ્ચ અભ્યાસ કરી નોકરી કરવાને બદલે માંડવીના આદિવાસી વિસ્તારમાં આવેલાં ગામડાંઓમાં વિકાસ કરવાના હેતુથી ઘંટોલી ગામમાં પોતાના ખેતરમાં સ્પીરૃલીના નામની પાણીમાં ઊગતી શેવાળની ખેતી કરવાનો નિર્ધાર કર્યો. હાલ સ્પીરૃલીના શેવાળનું ઉત્પાદન ભારત, જાપાન, ચીન, અમેરિકા અને મેક્સિકો જેવા દેશોમાં થાય છે. વિજ્ઞાાનમાં વધુ રુચિ હોવાથી બલરામે આ શેવાળની ખેતીમાં વિશેષ સંશોધન કર્યું. સ્પીરૃલીના શેવાળ પર જાતે સંશોધન કર્યા પછી તેનું ઉત્પાદન કરવાની ટેકનોલોજી વિકસાવી છે. આ ઉપરાંત બંને ભાઈઓ પોતાના ખેતરમાં અવનવાં સંશોધનો કરતા હોય છે. તેમણે કૃષિનું કાચું સોનું ગણાતા એવા હ્યુમિક એસિડનું ઉત્પાદન કરવાની ટેકનોલોજી પણ વિકસાવીને તેનું ઉત્પાદન કરી રહ્યા છે. સ્પીરૃલીના શેવાળનું ઉત્પાદન કરવા માટે તેઓએ ખેતરમાં વિશાળ કદના સિમેન્ટનાં તળાવો બનાવ્યાં છે. આ તળાવોમાં પાણી ભરીને એમાં સ્પીરૃલીના શેવાળનું ઉત્પાદન કરવામાં આવે છે. તેમણે શરૃ કરેલા આ પ્રોજેક્ટની ખૂબી એ છે કે આમાં તેઓએ વિશિષ્ટ પ્રકારની સોલાર સિસ્ટમનો ઉપયોગ કર્યો છે.

સ્પીરૃલીના શેવાળમાંથી સંપૂર્ણપણે કુદરતી સ્વરૃપમાં ૬૦થી ૬૫ ટકા પ્રોટીન, ૧૮ પ્રકારના એમિનો એસીડ, ૧૩ પ્રકારના વિટામિન, ૧૩ પ્રકારનાં મિનરલ્સ વગેરે મળી રહે છે. ઈંડાં કરતાં પણ સ્પીરૃલીના શેવાળમાં છ ગણું વધારે પ્રોટીન હોય છે. ગાજરમાં મુખ્યત્વે બિટા કેરોટીન મળે છે. સ્પીરૃલીનામાં ગાજર કરતાં ૨૫ ગણું વધારે બિટા કેરોટીન મળે છે. સ્પીરૃલીના શેવાળમાં ઘઉંનાં બીજ કરતાં ૩ ગણું વધારે વિટામિન ઈ, પાલક કરતાં ૫૮ ગણું વધારે લોહતત્ત્વ, દૂધ કરતાં ૧૦ ગણું કેલ્શિયમ અને ઘઉંના જવારા કરતાં ૫ થી ૩૦ ગણું વધારે ક્લોરોફિલ હોય છે. આ ઉપરાંત સંપૂર્ણ કુદરતી રીતે તૈયાર થતા સ્પીરૃલીનામાં વિટામિન બી કોમ્પ્લેક્ષ (બી-૧, બી-૨,બી-૩ , બી-૬, બી-૯ અને બી-૧૨ ) તથા એન્ટિ ઓક્સિડન્ટ તત્ત્વો પણ તેમાંથી મળી રહે છે.