આજથી ૫૪ વર્ષ પૂર્વે શ્રી કૃષ્ણ જ્ન્માસ્ટમીના પવિત્ર દિવસે મુંબઈમાં સાંદીપની આશ્રમમાં RSSના દ્રિતીય સર સંઘચાલક આદરણીય ગુરુજીના માર્ગદર્શન હેઠળ હિન્દુ, સીખ, બૌદ્ધ, જૈન વગેરે ધર્મોના પૂજ્ય સંતોની હાજરીમાં વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના કરવામાં આવી હતી. ‘ધર્મો રક્ષતિ રક્ષિત:’ ના મૂળ મંત્રથી શરૂ થયેલી આ સંસ્થા આજે ‘હિન્દુત્વ’ માં શ્રધ્ધા રાખનારા ‘ભારતભૂમિ’ પરના તમામ ધર્મોના રક્ષણની પર્યાય બની ચુકી છે. આજે કર્ણાવતીમાં વિહિપના સ્થાપના દિન અને કૃષ્ણ જ્ન્માસ્ટમીના પાવન પ્રસંગે ભારત સેવાશ્રમ સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળના સંયુક્ત ઉપક્રમે ભારત સેવાશ્રમ સંઘ ખાતે એક વિશાળ ધર્મસભા તેમજ ત્યાર બાદ ત્યાંથી એક વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
પાછલા ચાલીસ વર્ષથી આયોજિત થતી આ શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરીષદ ઉત્તર ગુજરાત પ્રાંતના અધ્યક્ષ રાજુભાઈ ઠાકર, મંત્રી અશ્વિનભાઈ પટેલ, ભારત સેવાશ્રમ સંઘના સંત આત્મભોલાનંદજી, ચૈતન્ય શંભુ મહારાજ, પુરષોત્તમ ચરણ સ્વામી, સહિતના અનેક સંતો, મહંતો, અંગકસરતના અદભૂત દાવ કરતા અખાડાઓ, ભજન મંડળીઓ તથા વિહીપ-બજરંગદળના કાર્યકરો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. ધર્મસભાને સંબોધિત કરતા વિહિપના મંત્રી અશ્વિનભાઈ પટેલે જણાવ્યું હતું કે દ્વાપરયુગમાં જેમ ભગવાન કૃષ્ણએ આજના દિવસે જન્મ લઈ અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના કરી હતી તેમ આજે કળીયુગમાં ધર્માન્તરણ, મુસ્લિમ તૃષ્ટિકરણ, ગૌહત્યા, લવ જેહાદ અને સામાજિક વિષમતા જેવા અધર્મી કૃત્યોનો નાશ કરી ધર્મનું રક્ષણ કરવાની જવાબદારી વિહિપ – બજરંગ દળની છે. ધર્મસભામાં ઉપસ્થિત સૌ લોકોને આ માટે કટિબદ્ધ થવા તથા વિહિપ – બજરંગ દળને સહકાર આપવા તેઓએ આહવાન કર્યું હતું. ધર્મસભાનું આયોજન તેમજ ઉપસ્થિત સૌ લોકો માટે સુંદર ફરાળની વ્યવસ્થા ભારત સેવાશ્રમ સંઘ દ્વારા કરવામાં આવી હતી.