લેખક – રાજેશ ઠાકર
શંકરસિંહજી વાઘેલાના સ્નેહમિલન કાર્યક્રમ ની સફળતાએ બાપુની રાજકીય અસરકારકતા પર પ્રશ્નચિન્હ મુકનારાઓ ને વિમાસણમાં મુકી દીધા.એકલપંડે હજારો ની જનમેદની એકત્ર કરી શકવા જેટલી લોકચાહના અને રાજકીય નફા-નુક્શાન ની પરવા કર્યા સિવાય બાપુની એક હાકલે હાજર થઈ જનાર સાથીઓ અને સમર્થકો જેવી મુડી કદાચ ગુજરાતના રાજકારણમાં શંકરસિંહજી સિવાય કોઈ રાજનેતામા નથી.
મોદી યુગના ઉદય બાદ “નમો નહી તો પતો” ની રાજનીતિ નો ભોગ બનેલા શંકરસિંહજીના સમકાલીન નેતાઓએ મજબુરીવશ શરણાગતિ સ્વીકારી કે પછી રાજકીય વૈધવ્ય સ્વીકારી ખુણો પાળી લીધો. એકમાત્ર બાપુએ જ તેમની સંગઠનાત્મક શક્તિ, રાજકીય સુઝ અને વ્યુહરચનાની કાબેલિયત થી ગેરભાજપી રાજનીતિ સાથે પોતાની જમીન સાચવી રાખી. રાજનીતિ ના શાંત જળમાં પોતાની સ્વેચ્છાએ વમળો પેદા કરવા અને રાજકીય પંડીતો ના દાખલા ખોટા પાડવામાં માહેર શંકરસિંહજી ને નખશીખ ઓળખનાર જો કોઈ હોય તો તે માત્ર ને માત્ર સ્વયં શંકરસિંહજી જ છે એ સ્વીકારવું જ રહ્યું.
શંકરસિંહજી બાપુનો તાપ સહનના કરી શકનાર રાજનેતાઓ તેમના ભરસક પ્રયાસોથી બાપુને પક્ષીય રાજનિતિથી દૂર કરવામાં સફળ થયા પણ તેમની જમીન એક ઈંચ પણ ખુંચવી નથી શક્યા જે આ સ્નેહમિલન થી પુરવાર થયું. ભાજપ હોય કે કોંગ્રેસ આ બન્ને પક્ષમાંથી બાપુને બહાર કરવાનો જશ કોઈનેય ખાટવાનો હક્ક એટલે નથી કેમકે બાપુએ સ્વયં આ પક્ષીય રાજનીતી ને તિલાંજલી આપી.
બાપુએ ભાજપ વ્યક્તિગત મહત્વાકાંક્ષા ના કારણે નહીં કર્મઠ કાર્યકરોની થતી અવદશા અને અવમાનના સહનના થતાં બળવો કર્યો. પચાસ વરસથી પણ અધિક જનસંઘથી લઈને ભાજપ સુધીની સંઘર્ષ યાત્રા બાદ પક્ષને સત્તા મળતા જ *ગામ વસ્યુ નહીં અને લુંટારા લુંટવા પંહોચી જાય* એવી સ્થિતિ પેદા થઈ. પક્ષના પાયાના પત્થર જેવા કાર્યકરો અને સહનેતાઓને સત્તાની મલાઈ ખાવા સંઘની ચડ્ડી – બુશકોટ ઉતારી અડધી બાંયના ઝભ્ભા પહેરી ઉતરી પડેલી ગેંગે વીણી વીણીને ખતમ કરવાના ષડયંત્રો શરૂ કર્યા. નરેન્દ્ર મોદી, સંજય જોશી અને પ્રવીણ તોગડીયાની ત્રીપુટીએ કેશુભાઈ પટેલના ખભે બંદુક મુકી શંકરસિંહનો શીકાર કરવા કારસા રચ્યા જે ખજુરીયા ચળવળમા પરિણમી. માટીપગાઓની જેમ ઘુંટણીયે પડી જવું એ બાપુનો સ્વભાવ ત્યારે પણ ન્હોતો અને આજે પણ નથી. બે ત્રુતીયાંશ બહુમતીનો ઘમંડ ઉતારી દેવાનું સામર્થ્ય અને મળેલી મુખ્યમંત્રીની ખુરશીને ખાસડે મારવાનું સમર્પણ દેખાડવાની ખુબીએ જ બાપુ આજદીન સુધી તેમના ચાહકો ના હ્રદયમાં સ્થાન જાળવી રાખવા સફળ રહ્યા છે .
*સત્તા લાલચુ કોણ?* પક્ષ માટે દાયકાઓ સુધી પરિશ્રમ કરનાર કે પક્ષની સફળતા પર તૈયાર ભાણે બેસી જનાર! આ સવાલનુ પ્રામાણિક મુલ્યાંકન જરૂરી છે. સરપંચની ચૂંટણી પણ લડ્યા ના હોય એવા નરેન્દ્રભાઈ એ જનસમર્થન ની ધીરજ રાખ્યા સિવાય કેશુભાઈ પટેલની પીઠ પાછળ કાવતરું કરી ગુજરાતની ગાદી જે દીવસે પચાવી પાડી તે દીવસે જ તેમણે શંકરસિંહજી ની સ્વાભિમાની લડત ને સાચી ઠેરવી દીધી. મોદીનો ખભે ખભો મીલાવી ષડયંત્રમાં સાથ આપનાર સંજય જોશી એ શું મેળવ્યું? રાષ્ટ્રીય કાર્યકારિણી ની બહાર સંજય જોશીના ચરિત્ર ને તારતાર કરતી કથીત સેક્સ સીડી ના વિક્રેતા કોણ હતા? નરેન્દ્ર મોદીને નમો નહી તો પ્રવિણ તોગડીયા પતાવી દેશે એવા નમો નહી તો પતો ના સુત્રધાર તોગડીયા ની દશા આજે શું છે? મોદી પર આંધળો વિશ્વાસ મુકનાર કેશુભાઈ પટેલની રાજકીય નિવ્રુતિ પાછળ કોણ? રાજકીય ગુરૂનો સીડી તરીકે ઉપયોગ કરી આડવાણીજી ને એક મજાક ની સ્થિતિ એ પંહોચાડનાર કોણ? સિંહા શૌરી, જોશી જેવા વરિષ્ઠોનુ સ્થાન કેમ હાંસીયા મા કેમ? શંકરસિંહજી ની મહત્વાકાંક્ષા અને સત્તાલાલસા પર કલમો ઘસી નાખનાર વિવેચકો, આલોચકો થોડો સમય ફાળવી આ સવાલોના જવાબ શોધે.
શીવસેના ની ગાળો ખાઈને પણ સત્તાનું સંવનન કરતા અને જમ્મુ કાશ્મીર મા રાજનીતિ નુ સૌથી અપ્રમાણિક ગઠબંધન કરી સત્તા લોલુપતા દેખાડનાર ભાજપે રાજપા સરકારનું માખણ ભરેલુ સત્તાનું માટલુ ખુમારી નો કાંકરો મારી ફોડી નાખનાર શંકરસિંહજી પર આંગળી ચીંધવાનો કોઈ હક્ક નથી. બાપુએ ધાર્યું હોત તો કોંગ્રેસ સાથે રાજપાનુ વીલીનીકરણ કરી પુર્ણ સમય સુધી મુખ્યમંત્રી રહી શક્યા હોત. પણ પ્રજાને હાઈકમાન્ડ માનતા બાપુએ લોકોની વચ્ચે જવાનું મુનાસીબ માન્યું.
કોંગ્રેસ સાથે પણ પાછલા બારણે કોઈ તડજોડ વિના સામી છાતીએ પોતાના મતભેદો જાહેર કર્યા. આ મતભેદ પણ સત્તાલક્ષી નહીં સંગઠનલક્ષી હતા. કોંગ્રેસ ને જીતાડવા શું કરવું તેની મથામણ હતી. કોંગ્રેસ મા રહીને કોંગ્રેસ માટે કશું નહીં કરી શકવાનો અજંપો હતો. પોતાની શક્તિ નો ઉપયોગ થતો ના હોય ત્યારે કોંગ્રેસ ની હારનો અપયશ કેમ વ્હોરવો એવી વ્યાજબી પીડા લઈ ને તેઓ કોંગ્રેસ ની બહાર નીકળ્યા.
શંકરસિંહજી વિશે લોકોમાં મુંઝવણની સ્થિતિ ઉભી કરવા તેમના હીતશત્રુઓ ભાજપના એજન્ટ તરીકે ચીતરે છે. પણ બાપુએ ભાજપ છોડ્યા પછી ભાજપની તરફેણ કરી હોય કે એની કઠોર નીંદા કરવાનું છોડી દીધુ હોય તેવો એકપણ દાખલો આપી શકતા નથી. હા રાજસભા ઈલેક્ષન વખતે કોંગ્રેસ માંથી ભાજપમાં ગયેલ ધારાસભ્યો ના ઈમોશનલ બ્લેકમેઈલીંગ નો શીકાર તેઓ ચોક્કસ થયા. આ એકમાત્ર ભુલ સિવાય શંકરસિંહજી ના ભાજપી વલણ અંગે સંશય કરવો એ રાજકીય દ્વેશ ગણાશે. ભાજપમાં ગયેલા ધારાસભ્યો એ એમના રાજકીય અસ્તિત્વ ને બચાવવા મનમરજી થી જ નિર્ણય કર્યો હતો એવા બાપુના નિવેદનની સત્યતા તેમના દીકરા મહેન્દરસિહ વિશેના વલણથી સ્પષ્ટ થાય છે. કોઈ રાજનેતાએ પોતાના રાજકીય વંશજ માટે ના અપનાવ્યુ હોય તેવું આકરૂ વલણ અપનાવી બાપુએ મહેન્દરસિહ ને ભાજપમાં થી પાછા વાળ્યા એ સિધ્ધ કરે છે કે અન્યો પર બાપુએ કેમ અને કેટલું દબાણ કર્યુ હોઈ શકે. દીકરા પર એક બાપ તરીકેનો હક્ક કરી શકાય અન્યો પર નહી અને માટે બાપુએ ગોઠવણ પાડી એ ધારણા મુળથી ખોટી છે.
આજે પણ આ સ્નેહમિલન ના મંચ પરથી *ભાજપે તેના સંસ્કાર પણ રીલાયન્સ ને વેચી માર્યા* એવું આકરૂ નિવેદન કરી આર. એસ. એસ ના સ્વ. લક્ષ્મણરાવ ઇનામદાર ના નામે ચાલતા લક્ષ્મણ જ્ઞાનપીઠ ટ્રસ્ટ સંચાલિત “સંસ્કાર ધામ*ને મુકેશ અંબાણી ના દીકરા ના નામ સાથે જોડતી અનંત યુનિવર્સિટી ને વેચી મારવાનો ઘટસ્ફોટ કર્યો. હું રાજકીય ત્રિભેટે ઉભો છું પણ ભાજપનો રસ્તો બંધ છે એવી ચોખવટ કરી આલોચકો નુ મોઢું બંધ કર્યું. જશદણની પેટાચૂંટણી મા બાપુ એનસીપી સાથે મળી ઉમેદવાર ઉભો કરશે એવા પીળા પત્રકારત્વ કરતા તેજોદ્વેશીઓ ને સ્નેહ મિલન મા હાજર જયંતિ બોસ્કીએ ઉત્તર વાળી દીધો. બાપુ ભાજપ સામે કચકચાવી ને મેદાનમાં ઉતરી રહ્યા છે અને એકમત એકજુટ એકસંપ મહાગઠબંધન ની કવાયત હાથ ધરી છે ત્યારે કોંગ્રેસ પાસે હાથ લંબાવી મતોના ધ્રુવીકરણ ને બચાવવાની તક છે. જોઈએ રાજકીય પ્રવાહો કઈ તરફ જાય છે.
– રાજેશ ઠાકર, અમદાવાદ