સટ્ટાના અતિરેકનો ભોગ બનેલા વૈશ્વિક રબર હાજર અને વાયદા

ઇબ્રાહિમ પટેલ

મુંબઈ, તા. ૭: વધુ પડતા સટ્ટાના અતિરેકનો ભોગ બનેલી ચીન સરકારની માલિકીની ચોન્ગક્વિંગ જનરલ ટ્રેડીંગ કેમિકલ (સીજીટીએસ) આખા વિશ્વની રબર હાજર અને વાયદા બજારને નવા તળિયા શોધતી કરી દીધી છે. એક ભારતીય આયાતકાર જેઓ આ ઘટનાથી પરિચિત છે, તેમણે કહ્યું હતું કે ચીનની કુલ રબર સપ્લાયમાં ૩૩ ટકાનો હિસ્સો ધરાવતી સીજીટીએસ કંપની ભાવની ગણતરીમાં ક્યાંક ગોથું ખાઈ ગઈ હતી. ગત સપ્તાહે સીજીટીએસ કંપનીએ તેના તમામ નવા ફીઝીકલ ટ્રેડીંગનાં સોદા રદ્દ કરી નાખવાની નોટીસ આપી કે તરતજ એશિયન રબર માર્કેટમાં મંદીનું મોજું ફરી વળ્યું હતું. શક્યતા એવી પણ છે કે કાળણમાં ખુપેલી રબર બજારને બહાર આવતા થોડો વધુ સમય લાગી જશે. આમ પણ રબર ઇન્ડસ્ટ્રીઝને ઓવર સપ્લાયને લીધે નિકાસ સોદામાં મર્યાદા, કેટલાંક દેશમાં દુષ્કાળ જેવી સ્થિતિ, પૂરનો પ્રકોપ, રબર ઝાડને રોગચાળો સહિતની અનેક બગાઓ એ ચારે તરફથી ઘેરી લીધી હતી, ત્યાં ચીનની નવી મોકાણ સામે આવી હતી.

ટોક્યો, શાંઘાઈ, ભારત, સિંગાપુર સહિતના રબર વાયદા ૮ વર્ષ અગાઉની સર્વોચ્ચ સપાટીએથી ૬૦ ટકા તૂટી ગયા છે. પૂર્વ ચીનના ચોન્ગ્ક્યાંગ શહેરમાં આવેલી સીજીટીએસની મહિલા પ્રવક્તાએ અન્ય કોઈ માહિતી આપવાનું ટાળીને માત્ર એટલુંજ કહ્યું હતું કે અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. ચીને ગતવર્ષે ૨૬ લાખ ટન રબર આયાત કર્યું હતું, તેમાં આ કંપનીની આયાત ૧૬ લાખ ટન હતી. સીજીટીએસ કંપનીએ તેના તમામ સોદા રદ્દ કરી નાખ્યા છે, ત્યારે વર્ષાંત સુધીનાં શિપમેન્ટ પણ અટકી પડશે. હવે ટ્રેડરોએ એ જોવાનું છે કે આની અસર રબર ઉત્પાદક દેશ પર કેવીક પડે છે. શક્યતા એવી છે કે ઉત્પાદક દેશમાં માલ ભરાવો થશે અને હાજર કરતા વાયદાના ભાવ નીચે (ઉંધા બદલા) જતા રહેશે.

ટોક્યો કોમોડીટી એક્સચેન્જ પર સતત સાત ટ્રેડીંગ દિવસ સુધી માર્ચ વાયદો ઘટ્યા પછી શુક્રવારે મામુલી ૧.૫ યેન પ્રતિ કિલો સુધરી ૧૫૭.૧ યેન (૧.૪૭ ડોલર) બંધ થયો હતો. વાયદો સતત ત્રીજા સપ્તાહે ૨.૭ ટકા ઘટ્યો હતો. ૧થી ૭ ઓકટોબર સુધી શાંઘાઈ કોમોડીટી એક્સચેન્જ બંધ રહેવાનું છે, આ અગાઉ ૩૦ સપ્ટેમ્બરે બેન્ચમાર્ક વાયદો ૧૧૪૭૦ યુઆન (૧૬૦૦ ડોલર) પ્રતિ ટન બંધ થયો હતો, વર્ષારંભે આ વાયદો ૧૧,૪૫૦ યુઆન હતો. સિંગાપુર સીકોમ એક્સચેન્જ પર નવેમ્બર વાયદો શુક્રવારે કિલો દીઠ ૦.૨ ટકા વધી ૧૨૪.૯ અમેરિકન સેન્ટ પ્રતિ કિલો બોલાયો હતો.

ડીરેક્ટોરેટ જનરલ ઓફ કમર્સિયલ ઈન્ટેલીજન્સ એન્ડ સ્ટેટેસ્ટીકસનાં ડેટા કહે છે કે ભારતમાં ઓગસ્ટ નેચરલ રબર આયાત ૧૩.૫ ટકા વધીને ૫૭૮૨૧ ટન થઇ હતી. જાન્યુઆરી-ઓગસ્ટ આયાત ૨.૫૭ લાખ ટન નોંધાઈ હતી. ઇન્ડીયન કોમોડીટી એક્સચેન્જ પર રબર ઓકટોબર વાયદો ઘટીને ૧૧ મહિનાની બોટમ ક્વિન્ટલ દીઠ રૂ. ૧૧,૯૯૦ની બનાવી હતી. થાઈલેન્ડમાં આરએસએસ-૩ વેરાઈટીના ભાવ ૧.૨૩ ડોલર ઘટીને ૧૦૦ કિલો દીઠ ૧૪૧.૪૦ ડોલર રહ્યા હતા.

સીજીટીએસ કંપની સાથે કામ કરતા ટ્રેડરો કહે છે કે અમે ૧ લાખ ટન રબર કંપનીને ઉધાર વેચ્યું હતું પણ તેના પૈસા અમને હજુ સુધી મળ્યા નથી. કંપની હજુ સુધી ટાયર ઉત્પાદકો અને સ્થાનિક ટ્રેડીંગ હાઉસોનાં કરારો પણ પૂર્ણ નથી કરી શકી. ટ્રેડરો કહે છે કે અત્યાર સીધી સીજીટીએસ કંપની હાજર અને વાયદા બજારમાં વિશ્વસનીય અને મોટી પ્રતિષ્ઠા ધરાવતી હતી. રબર બજારમાં ભારે ઉથલપાથલ થઇ ગયા બાદ હવે સીજીટીએસ કંપની પોતે પણ રોકડ પ્રવાહિતાની ભારે મુશ્કેલી અનુભવી રહી છે. વૈશ્વિક અર્થતંત્રો નબળા પડી રહ્યા છે, તેને ગણતરીમાં લીધા વગર કંપનીએ સાઈડવેઝ અને કાગળ પેન્સિલ પરના મોટા સોદા કર્યા તેનું આ પરિણામ છે.