સત્તા મેળવવા માટે ભાજપ ગમે તે હદ ઓળંગી શકે છે. તે માટે હવે તેમને કોઈ નૈતિક મૂલ્ય નડતાં નથી. ગાંધીનગર જિલ્લામાં સત્તા મેળવવા માટે ભાજપે અનેક નૈતિક અધઃપતન નોતર્યું છે. બે વખત કોંગ્રેસના મેયર આયાત કરીને સત્તા મેળવી હતી. કોંગ્રેસના નેતા નરહરી અમીનને આયાત ગાંધીનગર માટે કર્યા હતા. નગરપાલિકા અને તાલુકા પંચાયત મેળવવા માટે કોંગ્રેસથી પક્ષપલટો કરાવીને સત્તા મેળવી છે. હવે તે તમામ હદ પાર કરીને ભાજપ પાસે અનામતના ઉમેદવાર ન હવાથી અનામતની રોસ્ટર સ્ટીસ્મમાં ફેરફાર કરીને પણ સત્તા મેળવવા માટે કાળા કામો કર્યા છે.
હમણાં જ ભાજપ શાસિત પેથાપુર નગરપાલિકામાં એક બેઠકની પેટા ચૂંટણી યોજાય હતી જેમાં ભાજપના સભ્યનો કારમો પરાજય થયો હતો. તેથી સત્તા જાય તેમ હતી. હવે સત્તા ટકાવી રાખવા માટે કાવાદાવા શરૂ કરી દીધા હતા. રાતોરાત રોસ્ટર બદલી કાઢીને ભાજપની સત્તા ટકાવી રાખવા માટે નિયમો અને કાયદાઓને નેવે ચઢાવી દીધા હતા.
કોંગ્રેસના ધારાસભ્ય સી જે ચાવડાએ આ નિર્ણયને પડકારીને જન આંદોલન કરવા અને કોર્ટમાં જવાની તૈયારી શરૂ કરી છે. અનુસૂચિત જાતિને મળેલો બંધારણીય હક્ક ભાજપ છીનવી રહ્યો છે એવું મોટાભાગના લોકો માની રહ્યાં છે. સત્તા લાલસામાં રાચતી ભાજપ સરકારે નગરપાલિકામાંથી સરકી ગયેલી સત્તાને પુન: હાંસલ કરવા રાતોરાત રોસ્ટરમાં ફેરફાર કર્યો તે બંધારણને તોડવા-મરોડવા જેવી બાબત હોવાનું કોંગ્રેસ માને છે. કોઈ એકમાં નહીં પણ તમામ નગરપાલિકાના એક સાથે રોસ્ટર ફેરફાર થઇ શકે. આ અંગે મુખ્ય સચિવને ફરિયાદ કરવામાં આવી છે.
ભાજપ પાસે બહુમતી હોવા છતાં અનુસૂચિત જાતિના એક પણ સભ્ય ન હતાં. જેથી વોર્ડ-4ના સવર્ણ સભ્યને રાજીનામું અપાવી ખાલી પડેલી બેઠક પર એસ સી – અનુસૂચિત જાતિના ઉમેદવારને ચૂંટણી લડાવી હતી. તે ભાજપ હારી ગયો હતો. સત્તા ભાજપના હાથમાંથી સરકી જાય તેમ નક્કી હતું. કોંગ્રેસનું શાસન આવતું હતું. ભાજપે કોંગ્રેસના અનુસૂચિત જાતિના સભ્યને ભાજપમાં પક્ષાંતર કરાવવા તમામ અનૈતિક પ્રયાસો કર્યા હતા. જેમાં સફળતા ન મળતાં રોસ્ટરમાં ફેરફાર કરી દીધો હતો. ભાજપે એસસી જાતિના ઉમેદવારનો બંધારણિય હક્ક છીનવી લીધો છે. સરકારના આ પ્રકારના કાવાદાવાથી પ્રજા જાગૃત થઇ છે અને હવે ભાજપને જાકારો આપવા મક્કમ બની છે. તેવો દાવો કોંગ્રેસે કર્યો છે.