સત્સંગ અને એકતા યાત્રા સાથે કચ્છમાં વચનામૃત મહોત્સવની થયેલી ઉજવણી

કચ્છ, તા. ૧૪

વિવિધતામાં એકતાનાં દર્શન થાય છે તેવા ભારત દેશમાં અયોધ્યાના રામ મંદિરના ચુકાદા બાદ દેશના તમામ લોકોને ન્યાય-નીતિના માર્ગે આગળ વધવાની શીખ તાજેતરમાં કચ્છમાં પૂર્ણ થયેલા વચનામૃત મહોત્સવ દરમિયાન આપવામાં આવી હતી. કચ્છનાં બળદિયામાં ઉજવાયેલા અબજીબાપા શતામૃત મહોત્સવમાં દેશ-વિદેશથી હજારો ભક્તોએ ભાગ લીધો હતો. આ મહોત્સવમાં ભક્તોએ સત્સંગ અને એકતા યાત્રા સાથે ઉજવાયેલા વચનામૃત મહોત્સવમાં ભાગ લીધો હતો.

મુખવાણી વચનામૃત દ્વી શતાબ્દી મહોત્સવ તથા શ્રીજી અબજીબાપા બશતામૃત મહોત્સવમાં સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતા  સાત દિવસ સુધી આ કાર્યક્રમ ચાલ્યો હતો. જેમાં વિશ્વ મંગલ મહોત્સવ –   વચનામૃતની પંચરત્ન તુલા, રાજોપચારથી શાહી પૂજન,  કંકુ, અક્ષત, ગુલાબ જળ, ચંદન કેસર મિશ્રિત, અત્તર વગેરેથી પૂજન કરવામાં આવ્યું હતું. 

મહોત્સવ દરમિયાન આચાર્ય સ્વામીજી મહારાજે આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, અબજીબાપાએ વચનામૃત રહસ્ય પ્રદીપિકા ટીકાની અમૂલ્ય ભેટ સમાજને સમર્પિત કરી છે. સ્વામિનારાયણ ભગવાને આ ગ્રંથમાં ગીતા, ભારત, ઉપનિષદ, ધર્મ માર્ગ, ભક્તિ માર્ગ, યોગ માર્ગ – આમ તમામ પ્રકારના શાસ્ત્રનું તત્વજ્ઞાનની સચોટ સમજૂતી આ વચનામૃત ગ્રંથમાં સંકલિત કરેલ છે.

વિવિધ ફલોટ દ્વારા એકતા યાત્રા

મહોત્સવ દરમિયાન યોજવામાં આવેલી ભવ્ય યાત્રામાં પાંચ હાથી તેમજ વિવિધ ફ્લોટ દ્વારા એકતા યાત્રા  કાઢવામાં આવી હતી. એકતા યાત્રામાં હૈયે હૈયું દળાય એવી હકડેઠઠ માનવ મહેરામણ ઉમટ્યો હતો. આ પ્રસંગે સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા  બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામાં આવ્યો હતો