ચૂંટણી આવતાં સહકારી ડીરીઓએ દૂધના ભાવમાં વધારો કરીને ખાનગીમાં પશુપાલકોને એવા સંકેત આપી દીધા હતા કે, દૂધના સારા ભાવ કરી આપ્યા છે હવે મત ભાજપને આપજો. આવું ભાજપના એક નેતાએ જાહેર પણ કર્યું હતું. સહકારી ડેરીઓમાં જ્યારથી રાજકીય નેતાઓ આવી રહ્યાં છે ત્યારથી સફેદ દૂધનું ગંદુ રાજકારણ શરૂં થયું છે. તેમાં આ વખતે પરાકાષ્ઠા જોવા મળી રહી છે.
બે ડેરીને બાદ કરતાં 19 ડેરીઓમાં ભાજપના નેતાઓ અધ્યક્ષ છે બોર્ડ ઓફ ડાયરેક્ટર પણ ભાજપનું જ છે. 21 સહકારી ડેરીમાં 50 લાખ જેવા દૂધ ઉત્પાદકો છે. જેના 2 કરોડ મતદારો સીધા જોડાયેલા છે. તેમનો ગેરઉપયોગ રાજકારણમાં થાય છે. ભાજપના ધારાસભ્ય અને પંચામૃત ડેરી અધ્યક્ષ જેઠા ભરવાડે મતદારોને કહ્યું હતું કે, તમને દૂધના સારા ભાવ મળે એવું કરી આપ્યું છે. હવે મત ભાજપને આપજો. આમ મતદારોને લીધી લાંચ આપવાનો કેસ અહીં થઈ શકે તેમ છે. તેમ છતાં કોંગ્રેસ મૌન છે.
મહેસાણા બેઠક સત્તાધારી પક્ષ માટે ગીરનાર ચઢવા જેવી થઈ ગઈ છે. કારણ કે અહીં દૂધસાગર ડેરી ભાજપ સાથે નથી. વિપુલ ચૌધરી અને તેમની મંડળી કોંગ્રેસનો પ્રચાર કરી રહી છે. ભાજપ સરકાર દ્વારા દૂધસાગર ડેરી અને દૂધ ઉત્પાદકોને હળહળતો અન્યાય થઈ રહ્યો હોવાનું જાણાવીને ભાજપનો વિરોધ કરીને કોંગ્રેસને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. પણ ખરેખર તો વિપુલ ચૌધરી પોતે અનેક કેસમાં સંડોવાયેલા છે અને તેમાં તેમની સામે ભીંસ વધી રહી છે. જો ભાજપ પર રાજકીય દબાણ વધે તો જ તે આ કેસ માટે સરકાર સાથે સમાધાન કરી શકાવે તેમ છે. તેથી રાજકારણ વધી રહ્યું છે. ડેરીના અધ્યક્ષ આશા ઠાકોરે કોંગ્રેસનું ખુલ્લીને સમર્થન આપ્યું છે.
ડેરીને થતાં અન્યાય અંગે સરકારમાં રજૂઆત કરતાં પરિણામ ન આવતા ઉપાધ્યક્ષ મોઘજીભાઈએ કેટલાક દિવસો પૂર્વે ભાજપ સાથે છેડો ફાડયો હતો. તે પણ ભાજપ પર દબાણની નીતિ છે. ત્યાર બાદ ડેરીએ કોંગ્રેસનો પ્રચાર કરવાનું નક્કી કરાયું હતું. આ બધા અહેવાલો છાપવા માટે મહેસાણામાં પત્રકાર પરિષદ બોલાવીને મોંઘી ભેટ આપવામાં આવી હતી.
ગાંધીનગરના ભાજપના ઉમેદવાર અમિત શાહના પ્રચાર માટે ડેરીમાંથી કર્મચારીઓ અને સભાસદોને લાવવા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી.