ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને આડે હવે થોડાક જ દિવસો બાકી રહ્યા છે ત્યારે વિવિધ પક્ષો દ્વારા પ્રચાર કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે. અને પ્રચાર કરવા માટે જતા નેતાઓને પણ જનતામાંથી જાતજાતના અનુભવો જોવા અને સાંભળવા મળે છે. ત્યારે તાજેતરમાં જસદણમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને ભરત બોઘરા નો કંસેરા ગામની મહિલાઓએ ઉધડો લીધો હતો જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
મંત્રી કુવરજી બાવળીયા અને ભરત બોઘરા જ્યારે જસદણના કંસેરા ગામમાં ગયા ત્યારે ગામની મહિલાઓએ પાણીને લઈને મંત્રી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. મહિલાઓની રજૂઆતો સાંભળવાના બદલે મંત્રી કુવરજી બાવળીયા અને ભરત બોઘરા ગુસ્સે થઈ ગયા હતા અને મહિલાઓને ઠપકો આપવા લાગ્યા હતા.જોકે બાવળિયા અને બોઘરા એવું જણાવી રહ્યા છે કે આ ગામના સરપંચ દ્વારા કામ થયા નથી. એક તબક્કે કુંવરજી એવું કહેતાં હતાં કે તમે મને મત નથી આપ્યા તેથી તમને હું પાણી ન આપું. કોઈ પ્રધાન બને છે ત્યારે સમાન રીતે બધા સાથે વર્તીશ એવા શપથ લે છે. અહીં આ શપથનો તેઓ ભંગ કરી રહ્યાં હોવાથી તેમના આ વર્તન સામે કેટલાંક લોકો વડી અદાલતમાં કેસ દાખલ કરવાનું વિચારી રહ્યા છે.