પાટણ જિલ્લાને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભલે રાષ્ટ્રીય સ્તરનો એવોર્ડ મળ્યો હોય. પણ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત બનવવામાં આવેલાં શૌચાલયોમાં મસમોટા કૌભાંડનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સમી તાલુકાના બે ગામોમાં શૌચાલય બનાવવાના નામે સરકારી અધિકારીઓથી લઈ કર્મચારીઓ અને સરપંચ તલાટીઓની મિલિભગતનું કૌભાંડ સામે આવ્યું છે. અને માત્ર કાગળ પર કામ બતાવીને રૂપિયા 90.96 લાખનું કૌભાંડ આચર્યું છે. જેના પગલે સમી તાલુકા વિકાસ અધિકારી દ્વારા જવાબદાર આઠ વ્યક્તિઓ વિરુદ્ધ સમી પોલીસ મથકે ફરિયાદ નોંધાવામાં આવી છે.
શૌચાલયમાં કૌભાંડની ઘટના પાટણ જિલ્લામાં સામે આવી છે. જેમાં અધિકારીઓની ભ્રષ્ટ નીતિને લઇ ઘરે ઘરે શૌચાલય યોજનામાં ભ્રષ્ટાચાર આચરવાનો કિસ્સો ભદ્રાડા અને સિગોતરિયા ગામમાં પ્રકાશમાં આવ્યો છે. સમી તાલુકા પંચાયતના પૂર્વ તાલુકા વિકાસ અધિકારીથી લઈ ગામના પૂર્વ સરપંચ, તલાટી સહિત સમી તાલુકા પંચાયતના કર્મચારીઓ મળી કુલ આઠ જેટલા ભ્રષ્ટ જવાબદાર વ્યક્તિઓના નામ સામે આવ્યા છે. જેમણે ભદ્રાડા ગામે 261 અને સિગોતરિયા ગામે 345 મળી કુલ 606 શૌચાલયની સહાયના રૂપિયા 90 લાખ 96 હજારની ઉચાપત કરી છે.
સમી તાલુકાના ભદ્રાડા અને સિગોતરિયા ગામે શૌચાલય બનાવવા માટે તમામ લાભર્થીઓ પાસેથી લાગતા વળગતા તમામ પુરાવાઓ મેળવી લીધાં અને ત્યાર બાદ ગરીબ અને ભોળા ગ્રામજનોની જાણ બહાર શૌચાલયનુ કાર્ય માત્ર કાગળ પર બતાવી સરકારી સહાય બારોબાર ચાંઉ કરી ગયા હતા. જો કે ભ્રષ્ટાચારીની ઘટના સામે આવતા હવે ગામ કોઈ તલાટી ચાર્જ લેવા તૈયાર નથી.
આ બંને ગામના લાભાર્થીઓએ જરૂરી પુરાવાઓ અધિકારીઓને આપ્યાને આજે બે વર્ષ જેટલો સમય વિતિ ગયો છે. તેમ છતા ગામમાં કોઈ શૌચાલય નિર્માણ પામ્યું નથી. અને ગ્રામજનો છેલ્લા બે વર્ષથી રાહ જોઈને બેઠા છે કે, સરકારી સહાયથી વહેલા કે મોડું તેમનું પોતાનું ઘર આંગણે એક શૌચાલય નિર્માણ પામશે. પણ ગ્રામજનોને ક્યાં ખબર હતી કે, લોભિયા અધિકારીઓને પાપે તેમનું સપનું માત્ર કાગળ પર જ નિર્માણ પામી ચુક્યું હતું. અને ગામમાં ચાલતું વિકાસનું કાર્ય પણ બંધ થઈ જશે.
શૌચાલય બનાવવાની કામગીરીમાં જે તે સમયના સરકારી અધિકારીઓ અને સરપંચ ભેગા મળી ખોટા રેકર્ડ બનાવી ખોટી રીતે સરકારી સહાય મેળવી હતી. સાથે જ અધૂરા શૌચાલય ઉપર પૂર્ણ શૌચાલયની સહાય મેળવી હતી, તેમજ શૌચાલયના નબળા બાંધકામ હોવા છતાં પૂર્ણ સરકારી સહાય ચૂકવી દેવાઈ હતી. ઉપરાંત જૂના શૌચાલય પર ફરી સહાય મેળવી મોટું રૂપિયા ૯૦.૯૬ લાખ રૂપિયાનું કૌભાંડ આચર્યું છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ ભ્રષ્ટ અધિકારીઓને સજા મળે છે કે નહિ. અને ગ્રામજનોને શૌચાલયનું સપનું પૂર્ણ થાય છે કે નહિ…