ન્યુ દિલ્હી,તા.23
કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં લગભગ સાત લાખ જેટલી વેકેન્સી હોવાનું સરકારે રાજ્યસભામાં જણાવ્યું હતું. કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહે એક લેખિત જવાબમાં કહ્યું હતું કે ૬,૮૩,૮૨૩ વેકેન્સીઓમાંથી ગ્રુપ સીમાં ૫,૭૪,૨૮૯, ગ્રુપ બીમાં ૮૯,૬૩૮ અને ગ્રુપ એ શ્રેણીમાં ૧૯,૮૯૬ વેકેન્સી પહેલી માર્ચ ૨૦૧૯ સુધી હતી તેવું તેમણે કહ્યું હતું. વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન ૧,૦૫,૩૩૮ પદ માટેની ભરતી પ્રક્રિયા સ્ટાફ સિલેકશન કમિશન (એસએસસી) દ્વારા શરૂ કરવામાં આવી છે તેવું તેમણે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે એસએસસી, રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ (આરઆરબી) અને ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ દ્વારા કુલ ૪,૦૮,૫૯૧ વેકેન્સી માટેની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
ભરતી પ્રક્રિયા બનતી ઝડપે પૂરી થઈ શકે તે માટે કોમ્પ્યુટર આધારિત ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવે છે અને નોન-ગેઝેટેડ પોસ્ટ માટે ઈન્ટરવ્યૂ લેવાનું ૧ જાન્યુઆરી ૨૦૧૬થી બંધ કરવામાં આવ્યું છે. એસસી (શિડ્યુલ્ડ કાસ્ટ), એસટી (શિડ્યુલ્ડ ટ્રાઈબ) અને ઓબીસી (અધર બેકવર્ડ ક્લાસિસ) માટે બેકલોગ રિઝર્વ્ડ વેકેન્સી ભરવાની બાકી છે. બેકલોગ વેકેન્સીઓ ભરવા માટે દસ મંત્રાલયો સાથે પર્સોનલ મંત્રાલય સંકલન કરતું રહે છે તેવું જિતેન્દ્ર સિંહે કહ્યું હતું.