ભારતીય જનતા પક્ષ લોકોની વચ્ચે સીધી રીતે જઈ શકે તેમ નથી. કારણ કે પેટ્રોલ, ડીઝલ અને ઘરની વસ્તુઓમાં જંગી વધારો થતાં મોંઘવારી વધી છે. તેથી ભાજપે દર વખતની જેમ આ વખતે નુસખા કરીને લોકોની વચ્ચે જવાનો પ્રયત્ન કર્યો છે. પ્રજાના પૈસે હવે ભાજપ દરેક ગામોમાં જશે. પોતાનો પ્રચાર કરશે અને મોજ કરશે. મહાત્મા ગાંધી અને સરદાર પટેલના નામે આ વખતે ભાજપે કાર્યક્રમો ગોઠવી લીધા છે. ગુજરાતના 10,000 જેટલા ગામડાઓમાં કરોડો રૂપિયા ખર્ચ કરીને રથયાત્રા કાઢશે. લોકોની વચ્ચે જઈને પોતાનો પ્રચાર કરશે. જેની પાછળ સરકારના ખર્ચે કરોડો રૂપિયાનું પેટ્રોલ અને ડીઝલ વાપરશે પણ પ્રજાને કોઈ રાહત નહીં આપે. જરૂર ન હોવા છતાં પોતાના પક્ષ અને પોતાની સરકારના ધોમધડાકા જેવો પ્રચાર કરવા માટે પેટ્રોલનો ધુમાડો કરશે. 10000 ગામડાઓમાં જવા માટે ઓછામાં ઓછા એક લાખ કિલોમીટરનો પ્રવાસ આ સરકારી વાહનો કરશે. જે યાત્રા નિકળવાની છે તે ઓટોમોબાઈલ દ્વારા સંચાલિત હશે, નહીં કે બળદ ગાડા દ્વારા. આ ઉપરાંત બીજી ઓક્ટોબરે ગાંધી જયંતી હોવાથી સાંજે 4 કલાકે ભજનના કાર્યક્રમો ગુજરાતમાં રાખવામાં આવ્યા છે. ગાંધી સંધ્યા કરીને લોકોને મનોરંજન આપશે જેથી પ્રજા પોતાની પીડા ભૂલીને મનોરંજન માણશે. રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આ રામ ભજનના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. મહાત્મા ગાંધીના ભજનો ગાવામાં આવશે. લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપને ગાંધીજીના ભજનો ગાવામાં પણ હવે વાંધો નથી. ત્યારબાદ ઓક્ટોબર મહિનામાં 10 હજાર જેટલા ગામડાઓમાં સરદાર પટેલના સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ઉદ્ઘાટન વખતે રથ ફેરવવામાં આવશે. જે રથમાં સરદાર પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટીની એક પ્રતિકૃતિ મૂકીને ગામડાઓમાં જશે. ભારતીય જનતા પાર્ટી અને સરકાર એક બીજાનો પ્રચાર કરશે. આવા કાર્યક્રમોમાં ભાજપ સિવાયના રાજકીય વ્યક્તિઓને આમંત્રણ આપવામાં આવ્યું નથી. તેથી માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર થશે. આ અગાઉ પણ સરદાર યાત્રા કાઢવામાં આવી હતી, ત્યારે સરકારના ખર્ચે ને પ્રજાના પૈસે આ યાત્રાઓ કાઢી ને કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તેથી તે યમયે લોકોમાં ટીકાને પાત્ર પક્ષ બન્યો હતો. અગાઉની રથયાત્રાઓ 2014 પછી નિષ્ફળ ગઈ છે હવે સરકારના ખર્ચે ભજન પણ ગાશે.