આ વર્ષે ૧૦ કરોડ વૃક્ષો વાવીને ગુજરાતને ગ્રીન ગુજરાત-કલીન ગુજરાત બનાવવામાં આવશે. તેના ભાગરૂપે ગાંધીનગરમાં ભાટ પાસે ૬૨,૦૦૦ ચો.મી. વિસ્તારમાં આકાર લઇ રહેલા ઔડા ગાર્ડનમાં આજે ૩૫,૦૦૦ જેટલા વૃક્ષો વાવવાના અભિયાન શરૂં કરાયું હતું. વિસ્તારમાં સાયકલ ટ્રેક, વૉક-વે, એમ્ફી થિયેટર અને પાર્ટી પ્લોટ સાથેનું ઉદ્યાન આકાર લઇ રહ્યું છે. અગાઉના સરકારના આંકડા કહે છે કે, ગુજરાતનું વન વિભાગ જે વૃક્ષો વાવે છે તેમાં 80 ટકા બચી શકતા નથી. જ્યારે ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા દર વર્ષે વૃક્ષારોપણ કરે છે તેમાં 80 ટકા છોડ ઉછેરી શકાયા છે.
જેમાં વિજયભાઇ રૂપાણીએ કહ્યું હતું કે, ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ વર્તમાનપત્રમાં માત્ર સામાજિક વ્યથા ઠાલવવાને બદલે તેના સમાધાન માટેની જવાબદારી પણ સ્વિકારી છે. સિંહોની સલામતી માટેનું અભિયાન હોય કે કન્યા કેળવણીનું, આરોગ્યનું હોય કે પર્યાવરણ જાળવણીનું; ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ લોક જાગૃતિ કેળવવાનું કામ કરીને સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે. કોર્પોરેટ હાઉસ, સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓને વધુને વધુ વૃક્ષો વાવવા આહવાન કર્યું હતું.
આ વર્ષે અમદાવાદ શહેર અને આસપાસ દોઢ લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો છે. આ સંકલ્પની સફળતા માટે તેમણે શુભકામનાઓ પાઠવી હતી. ગ્લોબલ વૉર્મિંગ અને પ્રદુષણ જેવા પડકારો સામે પર્યાવરણ સંરક્ષણ અને ગ્રીનબેલ્ટમાં વધારો એ જ ઉપાય છે ત્યારે ગુજરાતમાં વન વિસ્તાર વધે અને જંગલો જળવાય એ માટે સરકાર વિશેષ પ્રાધાન્ય આપી રહી છે.
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને વનમંત્રી ગણપતભાઇ વસાવાએ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહીને વૃક્ષારોપણ કર્યું હતું. ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના ડાયરેકટર સંજીવ ભાર્ગવે સમાજમાં હકારાત્મક પરિવર્તન માટે ટાઇમ્સ ગ્રુપની
પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, વાચકો અને લોકો શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ જેવા ક્ષેત્રોમાં જ્યાં જરૂર હોય ત્યાં રાજ્ય સરકારના પ્રયત્નોમાં સહભાગી થાય એ માટે ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા હંમેશા પ્રયત્નશીલ રહેશે. છેલ્લા ૩ વર્ષમાં ટાઇમ્સ દ્વારા ૪ લાખથી વધુ વૃક્ષો વવાયા છે, અને ૮૫ ટકાથી વધુ વૃક્ષો ઉછેર્યા છે એમ પણ તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે ગાંધીનગરના ધારાસભ્ય શંભુજી ઠાકોર, અમદાવાદના મેયર બીજલબેન પટેલ, ઔડાના ચેરમેન મુકેશ પુરી, મુખ્ય કારોબારી અધિકારી એ.બી.ગોર, ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના નિવાસી તંત્રી હારિત મહેતા, અગ્ર સચિવ એમ.કે.દાસ, અગ્ર મુખ્ય વન સંરક્ષક જી.કે.સિન્હા, સહિત વરિષ્ઠ આગેવાનો, ધર્મગુરૂઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. હિરો મોટોકોર્પના સંજીવ શેટ્ટીએ આભારદર્શન કરતાં દોઢ લાખ વૃક્ષો વાવીને અમદાવાદને વધુ ગ્રીન-કલીન બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.