ગાંધીનગર: કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં GCTનો અમલ શરૂ કરાયાને બે વર્ષ થયા છે. ત્યારે નાણાં પ્રધાન અને નાણાં સચિવ વચ્ચે ગુજરાતની આવક અંગે વિવાદ ઊભો થયો છે. નાણાં પ્રધાન કંઈક કહી રહ્યાં છે અને નાણાં સચિવ કંઈક કહી રહ્યાં છે. આમ પ્રજા વેરો ચૂકવી રહી છે તેમાં સરકારને ફાયદો થયો છે કે નુકસાન થયું છે તે અંગે રૂપાણી સરકારમાં એક મત ન હોવાનું બજાર આવ્યું છે.
શું છે વિવાદ ?
નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જીએસટી-ગુડ્ઝ સર્વિસ ટ્કેસ – માલ સેવા કરથી રાજ્યને નુકશાન થઈ રહ્યું હોવાની જાહેરાત ગઈકાલે અમદાવાદમાં કરી હતી. પણ આજે ફાયનાંસ સેક્રેટરી અરવિંદ અગ્રવાલે તેમના બોસ નીતિન પટેલની હાજરીમાં જ એ વાત ખોટી ઠેરવતાં સરકાર છોભીલી પડી ગઈ છે. વિધાનસભામાં આજે બજેટ રજૂ કરાયા બાદ નાણાં મંત્રી નીતિન પટેલ દ્વારા પત્રકાર પરિષદ યોજાઇ હતી. આ પત્રકાર પરિષદમાં જીએસટીથી રાજ્યને કેટલું નુકશાન થઈ રહ્યું છે તે અંગેનો સવાલ પુછવામાં આવ્યો હતો. જેમાં નાણા પ્રધાનનું જુઠાણું ખુલ્લું પડી ગયું હતું.
શું કહ્યું હતું નાણા પ્રધાને ?
સોમવારે અમદાવાદ ખાતે જીએસટીના રોલ આઉટ (અમલીકરણ)ની બીજી વર્ષગાંઠ પ્રસંગે ઉદ્યોગો અને ટેક્સ પ્રેક્ટિશનરોના પ્રતિનિધિઓ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણાં મંત્રી નીતિન પટેલે જાહેર કર્યું હતું કે, GST રોલઆઉટથી ગુજરાત રાજ્યને 4000થી 5000 કરોડનું જંગી નુકશાન થાય છે. આ રકમની ભરપાઈ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નિયત રકમની ફાળવણી કરવામાં આવે છે. ગુજરાત તરફથી આ નુકશાન અપ્રત્યક્ષ રીતે અન્ય રાજયોની અર્થ વ્યવસ્થાને પ્રોત્સાહન આપી રહ્યું હોવાનું પણ તેમણે કહ્યું હતું. જીએસટી એક ગંતવ્ય કર હોવાથી, તે એવું રાજ્ય છે જ્યાં માલ અથવા સેવાઓ વેચવામાં આવે છે જે કરવેરા મેળવે છે અને તે રાજ્ય કે જ્યાંથી માલ અને સેવાઓ ઉત્પન્ન થતી નથી. ગુજરાત મુખ્યત્વે મેન્યુફેક્ચરીંગ રાજ્ય છે, તેના લીધે તેની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે. જીએસટી હેઠળની કુલ આવક રૂ. 44,000 કરોડની હતી, જ્યારે નોન-સબસમડ (બિન નિયમિત) ચીજો પર વેલ્યૂ એડેડ ટેક્સ (વેટ)ની આવક રૂ. 21,000 કરોડની હતી.
શું કહ્યું નાણા સચિવે ?
નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલે નાણાં મંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં પત્રકારોની હાજરીમાં જણાવ્યુ હતું કે, જીએસટીના કારણે રાજ્યના બજેટ ઉપર કોઈ અસર પડતી નથી. GST થી રાજ્યને કોઈ નુકશાન નથી. જીએસટીના લીધે રાજ્યના બજેટ ઉપર કોઈ અસર પડી નથી. કેન્દ્ર સરકાર દ્વારા રાજયમાંથી વસૂલાતા માલ સેવા વેરાની રકમ પેટે નિયત રકમ ગુજરાતને પાર્ટ આપવામાં આવે છે. આ રકમમાં દર વર્ષે 14 ટકાનો વધારો કરવામાં આવે છે. જેના કારણે રાજ્યના બજેટ ઉપર તેની કોઈ અસર પડતી નથી. અરવિંદ અગ્રવાલે જણાવ્યુ હતું કે જીએસટીના અમલીકરણથી ગુજરાત રાજ્યની આવકમાં જે 4000થી 5000 કરોડનું નુકશાન થઈ રહ્યું છે, ગુજરાત સરકારની આવકમાં થતાં આ નુકશાનની રકમની ભરપાઈ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યને થતાં આ નુકશાનની રકમમાં દર વર્ષે 14 ટકાનો વધારો કરીને ચુકવણી કરવામાં આવે છે. જેને લઈને ગુજરાતના બજેટ ઉપર કોઈ ખાસ મોટી અસર પડી શકે તેમ નથી.