સરકારની રૂ.17 કરોડની 62 હજાર બોરી તુવેર સડી ગઈ છે

ગુજરાતમાં નાફેડ દ્વારા મગફળી કાંડની શ્યાહી હજુ સુકાઈ નથી અને તેની તપાસ પણ મંથરગતિએ ચાલી રહી છે ત્યારે નાફેડની વધુ એક ઘોર બેદરકારી સામે આવતાં ભારે ખળભળાટ મચી ગયો છે. વડોદરા-છોટાઉદેપરુના ગોડાઉનમાં ટેકાના ભાવે ખરીદેલી 62 હજાર બોરી તુવેર સડી ગઈ છે.
રાજકોટ જિલ્લામાં મગફળી કાંડનો ભારે ચકચાર મચેલો છે અને આ મામલે કોંગ્રેસ દ્વારા પણ ભારે ઉહાપોહ મચાવવામાં આવ્યો હતો. ત્યારે મગફળીની ખરીદીમાં થયેલાં મોટાં કૌભાંડ બાદ નાફેડ દ્વારા તુવેરની ખરીદીમાં પણ બેદરકારી દાખવવામાં આવી હોય એવું બહાર આવ્યું છે. છોટા ઉદેપુરનાં બોડેલીના એપીએમસી ગોડાઉનમાં મુકાયેલી તુવેર સડી ગયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાત વેરહાઉસ કોર્પોરેશને બોડેલી APMC પાસે ચાર ગોડાઉન ભાડે રાખ્યા છે અને તેમાં વર્ષ 2016-17માં નાફેડનાં ખરીદ કેન્દ્રો થકી ખેડૂતો પાસેથી તુવેરની ખરીદી કરવામાં આવી હતી. નાફેડ દ્વારા રૂપિયા 5,500 પ્રતિ ક્વિટન્ટલના ભાવે ખરીદવામાં આવી હતી. બોડેલીમાં APMCના 8, વેર હાઉસના 4 ગોડાઉનમાં આ તુવેરનો જથ્થો પડ્યો છે. આ ઉપરાંત વાઘોડિયાના 3 ગોડાઉનમાં તુવેરનો સંગ્રહ કરાયો છે. નાફેડ  દ્વારા બે વર્ષ દરમિયાન ખરીદાયેલી 17 કરોડથી વધારે કિંમતની તુવેર છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલા ગોડાઉનોમાં સડી ગઈ છે. ગોડાઉનમાં બે હજાર ટનનો જથ્થો હોવાનું અનુમાન છે. આશરે 62 હજાર બોરી તુવેર સંગ્રહ કરવામાં આવી છે. જે ખેડૂતો પાસેથી 5500 ના ભાવે નાફેડ દ્વારા ખરીદવામાં આવી હતી.. બનાવની જાણ થતા જિલ્લા કલેક્ટરે સ્થળ મુલાકાત લઈ તપાસ શરૂ કરી છે. જિલ્લા કલેકટરે ગોડાઉનના તાળા  ખોલાવીને સેમ્પલ લીધા છે. તપાસમાં સામે આવ્યુ છે કે જે ગોડાઉન ભાડે લેવામાં આવ્યા છે તે  પતરાના શેડવાળા ગોડાઉન છે. ગોડાઉનમાં સીસીટીવી કેમેરા પણ નથી. અને ફાયર સેફટીના સાધનોની પણ વ્યવસ્થા નથી.
ઉલ્લેખનીય છે કે તુવેર ગ્રેઇન્સનો લાંબો સંગ્રહ શક્ય નથી. તુવેર બહુ તો ચારેક મહિના સુધી સારી રહી શકે છે ત્યાર પછી તેમાં ડંખ પડવા માંડે છે, સડવા માંડે છે. જ્યારે કે નાફેડ દ્વારા ખરીદાયેલી તુવેર બે વર્ષ પહેલાંની અહીં સંગ્રહાયેલી છે. તુવેર ઉત્પાદકોને પોષણક્ષમ ભાવ મળે તે માટે નાફેડ ખેડૂતો પાસેથી બજારભાવ કરતાં ઊંચા ભાવે ખરીદી મોટા વેપારીઓને ઓનલાઇન બીડ ભર્યે વેચાણ કરી નાફેડ નફો-તોટો મેળવે છે. પરંતુ ૨૦૧૬-૧૭માં ખરીદાયેલી તુવેરમાંથી કંઈ વેચાણ થયું ન હતું. ત્યારે હવે  જિલ્લા કલેક્ટરની હાજરીમાં ગોડાઉનના દરવાજા ખોલવામાં આવ્યા છે. અને કલેક્ટરે કમિટી બનાવીને આગળ તપાસ કરાવવાની કામગીરી હાથ ધરી છે.