સરકારી કચેરીઓ અને રહેવાના મકાનો બનશે

રાજ્યના જિલ્લાઓમાં જિલ્લા સેવા સદનો, તાલુકા સેવા સદનો, અન્ય કચેરીઓ અને આવાસો અદ્યતન સુવિધાઓ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. આ વર્ષે અમદાવાદ શહેરમાં રૂ.૧૩૫ કરોડના ખર્ચે નિર્માણ થનાર સરકારી કર્મચારીઓના આવાસો માટે રૂ.૪૫ કરોડની જોગવાઇ કરાઇ છે. 

અમદાવાદ, લુણાવાડા, ધાનેરા અને વઘઇ ખાતે કર્મચારીઓના રહેણાંક માટે રૂ.૧૦૧.૩૬ કરોડના ખર્ચે ૪૪૮ યુનિટના કામો પૂર્ણ કરાયા છે. જ્યારે અમદાવાદ, રાજકોટ અને નવસારી ખાતે રૂ. ૨૦૭.૭૯ કરોડના ખર્ચે હાથ ધરાયેલ વિવિધ કક્ષાના ૭૭૬ રહેણાંકના આવાસોના કામો પ્રગતિ હેઠળ છે. સરકારી કામકાજ અર્થે સરકારી તાલુકા સેવા સદનમાં આવનાર નાગરિકોને વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના આશયથી ડોલવણ, શિનોર, ગારીયાધાર, કુકરમુંડા અને ઉચ્છલ ખાતે રૂ.૪૧.૬૧ કરોડના ખર્ચે તાલુકા સેવા સદનના કામો પૂર્ણ કરાયા છે જ્યારે ખેડા, શહેરા, ગરૂડેશ્વર, વાઘોડિયા, પાટડી, કોડીનાર અને કડી ખાતે રૂ. ૭૯.૬૧ કરોડના ખર્ચે આ કામો પ્રગતિ હેઠળ છે. 

માર્ગ-મકાન વિભાગ સરકારી કચેરી/આવાસ સાથે વિવિધ સરકારી કોલેજો, હોસ્ટેલ સહિત અન્ય કામગીરી પણ કરે છે. જેમાં વિવિધ વિભાગોના જુદા-જુદા મકાનોના રૂ.૯૫૫ કરોડના ખર્ચે નિર્માણ થનાર ૫૪૫ કામો પૈકી ૨૪૩ કામો પૂર્ણ કરાયા છે.