સરકારી વીજ મથકોના ઊંચા ઉત્પાદન ખર્ચાથી પ્રજા પર કરોડોનો બોજ

ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિસિટી કોર્પાેરેશન લિમિટેડ-જીસેક હેઠળના ગુજરાત સરકારની માલિકીના વીજ એકમો નીચા પ્લાન્ટ લોડ ફેક્ટરે કાર્યરત હોવાને લીધે ઊંચા પડતર ખર્ચથી વીજગ્રાહકો ઉપર ઊંચું ભારણ આવે છે. સરકારી અધિકારીઓ બચાવ ખાતર એવી દલીલ કરી રહ્યાં છે કે, સરકારી વીજએકમો ૨૫-૩૦ વર્ષ જૂના હોઈ તેના પ્લાન્ટ લોડ ફેક્ટર પીએલએફ નીચા રહે છે. પરંતુ વીજ નિષ્ણાત કે.કે.બજાજ કહે છે કે, આ બચાવ દલીલ વાહિયાત છે કેમ કે, અમદાવાદમાં સાબરમતી ખાતેનો ટોરેન્ટ પાવર કંપનીનો પાવર પ્લાન્ટ ૨૫-૩૦ વર્ષ જૂનો હોવા છતાં તે ૮૦ ટકા પીએલએફ ઉપર કામ કરે છે. રાજ્ય સરકારના જીસેક હેઠળના વીજ એકમો ૪૦ ટકા કરતાં ઓછા પીએલએફ ઉપર કાર્યરત હોઈ તેમનો વીજ ઉત્પાદન ખર્ચ ખૂબ ઊંચો આવે છે.

સિક્કા પાવર સ્ટેશનના આયાતી કોલસા આધારિત ૨૫૦ મેગાવોટના એક એવા બે યુનિટ, જે અનુક્રમે સપ્ટેમ્બર-૨૦૧૫ અને ડિસેમ્બર-૨૦૧૫ના રોજ અર્થાત માંડ ત્રણ વર્ષ પહેલાં કાર્યરત થયાં છે, તેનો પણ વીજ ઉત્પાદન ખર્ચ પ્રતિ યુનિટે રૂ.૬.૯૪ આવે છે.

ગેસ આધારિત ધુવારણના અને ઉતરાણના વીજ એકમો તો ખરેખર માથાના દુઃખાવારૂપ બન્યા છે. ઊંચી પડતર આવતી હોવાથી આ ગેસ આધારિત એકમો બંધ હાલતમાં છે. ગ્રાહકોને માથે ઊંચો ફિક્સ્ડ કોસ્ટ યુનિટ દીઠ ધુવારણ-૩માં રૂ.૮.૦૪ અને ઉતરાણમાં રૂ.૬.૪૯ લાગી રહ્યો છે.

લિગ્નાઈટ આધારિત કચ્છના એકમોની તેમજ કોલસા આધારિત ગાંધીનગર અને વણાકબોરી એકમોની હાલત પણ ચિંતાકારક છે. સિક્કા થર્મલ પાવરના યુનિટ ૩ અને ૪ની ફિક્સ્ડ કોસ્ટ યુનિટ દીઠ રૂ.૨.૮૬ સૌથી ઊંચી છે.

આ બધા સરકારી વીજ એકમોના પ્લાન્ટ લોડ ફેક્ટર ઊંચે લાવવા, પડતર ખર્ચ ઘટાડવા અનેક વખત જર્ક સમક્ષ રજૂઆતો થઈ છે, પણ સરકારી કઠપૂતળી બનેલું ‘જર્ક’ સરકારી એકમો માટે કોઈ પગલાં ભરતું નથી, પરિણામે વીજગ્રાહકોને શોષાવવું પડે છે