સરકારી શાળામાં ક્લાસ-1ના અધિકારીનો પુત્ર કરે છે અભ્યાસ

દેશભરમાં શિક્ષણ દિવસે દિવસે મોંઘું થતું જાય છે અને ખાનગી શાળાઓ લાખોની ફી વસુલ કરે છે. અને આજના સમયમાં શિક્ષણ એક વ્યવસાય બની ગયું છે ત્યારે સરકાર શિક્ષણનું સ્તર સુધારવા માટે અનેક પ્રયત્નો કરે છે, ત્યારે રાજકોટનાં એક કલાસ-1 અધિકારી એવું માને છે કે, સરકારી શાળાઓનું શિક્ષણનું સ્તર ખૂબ જ સારૂં છે તે માટે પોતાનાં પુત્રને સરકારી શાળામાં અભ્યાસ કરાવે છે.
સેલ્ફ ફાઈનાન્સ શાળાઓની ભરમાર વચ્ચે રાજકોટ શહેરમાં ફરજ બજાવતા એક કલાસ-વન અધિકારીએ પોતાના પુત્રને ધો.7માં અતિ પછાત મનાતા તોપખાના વિસ્તારમાં આવેલી સરકારી શાળાનં.24 મહાદેવ પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે દાખલ કર્યો છે. સરકારી શાળામાં શિક્ષણનું સ્તર કથળથું જાય છે. તેવી વાતો વચ્ચે પણ કલાસ-વન અધિકારીએ પોતાના પુત્રના અભ્યાસ માટે સરકારી શાળાને પસંદ કરી સેલ્ફ ફાઈનાન્સ શાળામાં પોતાના સંતાનના અભ્યાસ માટે દોડધામ-આંદોલન-રજૂઆતો-ધરણાં કરતાં વાલીઓને ‘બોધપાઠ’ આપ્યો છે.
રાજકોટ શહેર સીટી-2 પ્રાંત અધિકારી જસવંત જેગોડાની રાજકોટમાં ત્રણ મહિના પૂર્વે નિમણૂંક થઈ છે. આ કલાસ વન કક્ષાના અધિકારીના પરિવારને રાજકોટ શિફ્ટ કર્યા બાદ ગમે તે ટોપ ક્લાસની શાળામાં પોતાના પુત્રનું એડમિશન કરાવી શકતા હતા, પરંતુ શિક્ષણ ખાનગી શાળામાં જ શ્રેષ્ઠ મળે છે તેવું નથી શિક્ષણ પ્રત્યે અભિરૂચિ, ધગશ હોય તો સરકારી શાળાનો અભ્યાસ અને શિક્ષણ શ્રેષ્ઠ પુરવાર થાય છે. મહત્વનું છે કે, જશવંત જેગોડાએ પણ સરકારી શાળામાં અભ્યાસ કર્યો છે.
પોતાના સંતાનની ક્ષમતા પર વિશ્વાસ ધરાવતા આ અધિકારીએ સરકારી શાળામાં પોતાના પુત્રનું એડમિશન કરાવીને વાલીઓને શીખ આપી છે. ક્ષિતિજ જેગોડા માટે જુદી જુદી 4 જેટલી શાળાઓમાંથી મહાદેવ પ્રાથમિક શાળા જ પસંદ કરી અને હાલ તે સામાન્ય માણસના સંતાનની જેમ અભ્યાસ કરે છે. સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ પુરૂં પાડતા આ અધિકારીમાંથી અન્ય અધિકારીઓ અને નેતાઓએ શીખ લેવી રહી.