રાજ્ય સરકાર અને નર્મદા નિગમીન અણઘડ અને ભ્રષ્ટ નીતિના કારણે સતત બીજા વર્ષે કચ્છના રણમાં નર્મદાનું પાણી છોડીને લાખો એકરફીટ પાણીનો બગાડ કર્યો છે. મઢુત્રા-મોમાયમોરા રણમાં આ પાણી વેડફી નાંખવામાં આવ્યું છે. કચ્છની નર્મદા નહેર દ્વારા કચ્છનો ટાપર બંધ ભરવામાં આવી રહ્યો હતો. પણ અચાનક રાતના સમયે પંપ ખરાબ થઈ જતાં 7 કલાક પંપ બંધ રહ્યાં હતા. પાણીનું દબાણ નહેર પર વધી ગયું હતું. તેથી પાણી રણમાં છોડી દેવામાં આવ્યું હતું. રણ દરિયો બની ગયો હતો. ગયા વર્ષે પણ આ રીતે કચ્છના રણમાં પાણી બનાસકાંઠાથી છોડવામાં આવ્યું હતું. જેનાથી લાખો ટન મીઠાના અગર ધોવાઈ ગયા હતા.
રણ કાંઠે લોકોએ તળાવ બનાવવાનું શરૂ કર્યું
સરકારમાં શાણપણ હોતું નથી પણ લોકોમાં હોય છે. રણમાં સરકારે ભલે પાણી છોડી દીધું પણ રણના કાંઠે આવેલાં સૂઈગામ તાલુકાનાં રણકાંઠાના છેવાડાનાં ગામ બેણપના લોકો જાતે તળાવ ઉંડું કરીને પાણી બચાવવા કામ શરૂ કર્યું છે.
ચોમાસું ખેતી ત્યાં થાય. ગામમાં તળાવોની સંખ્યા આઠેક જેટલી છે. જો તળાવ ભરાય તો ગામ આખું ખેતી કરી શકે. પણ આ વિસ્તારમાં વરસાદ ખૂબ ઓછો પડે. પણ ઉપરવાસમાં વરસાદ પડે એનું પાણી બેણપમાં થઈને રણને મળે એટલે તળાવો ભરાવવાની શક્યતાઓ ખરી.
નર્મદાની માઈનોર કેનાલ ગામની નજીકથી પસાર થાય પણ તેમાં પાણી છોડવામાં આવતું નથી. બેણપનું તળાવ કેટલાય હેક્ટરમાં ફેલાયેલું છે એને નર્મદાના પાણીથી ભરી શકાય તેમ છે. વળી તળાવ ઊંડુ હોય તો ચોમાસા દરમ્યાન ગામમાં આવતા પાણીનો સંગ્રહ પણ સારો થાય. પણ ગામના તળાવો છીછરા છે. વર્ષ 2018નું ચોમાસુ થયું જ નથી. વરસાદ ના થતા આખા વિસ્તારની હાલત કથળી. સમગ્ર સ્થિતિ જોયા પછી આ વિસ્તારમાં રાહતના કામો જાતે શરૃ કરવાનો વિચાર આવતાં ગામનું એક તળાવ લોકો હાથ મજૂરી કરીને ખોદાવે તેવું નક્કી કરીને જેથી વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકે.