ગાંધીનગર : નાણામંત્રી નીતિન પટેલ દ્વારા આજે રાજ્યનું બજેટ રજૂ કર્યું છે. તેમાં રાજયમાં અલગ- અલગ લેખના પ્રકાર મુજબ સ્ટેમ્પ ડ્યૂટી વસૂલવામાં આવે છે. તેમાં સોગંદનામાં, નોટરીના લખાણમાં દોઢસો ટકા, દત્તક પત્ર, લગ્ન નોંધણી અને ભાગીદારી લેખમાં 100 ટકા અને તે સિવાયના તમામ ફિક્સ રકમવાળા લેખો ઉપર 200 ટકાનો વધારો કરાયો છે. જ્યારે કેપ્ટિવ પાવરનો ઉપયોગ કરતાં ઔદ્યોગિક એકમો પાસેથી વસુલવામાં આવતા વીજ દરમાં યુનિટ દીઠ 15 પૈસાનો વધારો કરાયો છે.
રાજ્યના નાણામંત્રી નીતિન પટેલ દ્વારા આજે રજૂ કરાયેલા બજેટમાં કરવેરા વધારાની દરખાસ્ત કરવામાં આવી છે. જેમાં સ્થાવર મિલકતના લેખો સહિત જે લેખો ઉપર ટકાવારીના ધોરણે સ્ટેમ્પ ડ્યૂટી વસૂલવામાં આવે છે તેમાં કોઈ ફેરફાર કરાયો નથી પરંતુ જે લેખો ઉપર ફિક્સ રકમના દરે સ્ટેમ્પ ડ્યૂટી વસૂલવામાં આવી રહી છે તેમાં વધારો કરાયો છે. જેમાં સોગંદનામાં તથા નોટરીના લખાણના લેખો માટે હાલમાં સ્ટેમ્પ ડ્યૂટીના દર હાલમાં રૂ.20 છે તેમાં વધારો કરીને રૂ. 50 કરવામાં આવ્યો છે. જ્યારે લગ્ન નોંધણી, દત્તક પત્ર તેમજ ભાગીદારી લેખને લગતા સ્ટેમ્પ ડ્યૂટીના દર હાલમાં રૂ. 100 છે તેમાં વધારો કરીને રૂ. 200 કરાયો છે. આ અગાઉ ઉલ્લેખ કર્યા તે સિવાયના તમામ ફિક્સ રકમ વાળા લેખો ઉપર સ્ટેમ્પ ડ્યૂટીનો હાલનો દર રૂ. 100 છે. તેમનં વધારો કરીને રૂ. 300 કરવાની દરખાસ્ત કરાઈ છે.
આ વધારો કરવાથી રાજ્યની ચાલુ નાણાકીય વર્ષની આવકમાં રૂ. 107 કરોડનો વધારો થવાની તેમજ દર વર્ષે રૂ. 160 કરોડની આવક થવાનો અંદાજ છે.
આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પરંપરાગત સ્ત્રોતોથી સ્વ ઉત્પાદિત કેપ્ટિવ પાવર (વીજળી)નો વપરાશ કરતાં ઔદ્યોગિક એકમો પાસેથી લેવાતા વિજકરના હાલના યુનિટ દીઠ 55 પૈસા છે. તેમાં 15 પૈસાનો વધારો કરીને યુનિટ દીઠ 70 પૈસા કરવાની દરખાસ્ત કરાઈ છે. આ દરખાસ્તના પરિણામે રાજ્યની ચાલુ નાણાકીય વર્ષની વેરાકીય આવકમાં રૂ. 180 કરોડનો તેમજ વાર્ષિક વેરાકીય આવકમાં રૂ. 270 કરોડનો વધારો થવાનો અંદાજ રાખવામાં આવ્યો છે.