કૌભાંડ કરનાર કોઈપણ વ્યક્તિ હશે એને રાજ્ય સરકાર ક્યારેય છાવરવા માંગતી નથી અને કોઈપણ વ્યક્તિ જવાબદાર હશે તો તેને કડકમાં કડક સજા કરવામાં અમારી સરકાર કોઈ કચાસ રાખશે નહીં. રાજ્ય સરકારનો ઇરાદો પ્રમાણીક છે અને કાયમ રહેશે જ. જે લોકોએ ખેડૂતો માટે ખોટું કર્યું છે એના પર ભૂતકાળમાં ફોજદારી કેસો કર્યા છે અને આવનાર સમયમાં કોઇ ખોટું કરશે તો છોડશું પણ નહી. તેમ રાજ્યના કૃષિ પ્રધાન અને ભાજપના પૂર્વ પ્રમુખ રણછોડ ફળદુએ જણાવ્યું હતું. તેમનું નિવેદન આ પ્રમાણે છે.
જી.એસ.એફ.સી. રાજ્યમાં ૫૭ વર્ષથી કાર્યાન્વિત છે. સિક્કા ખાતે જી.એસ.એફ.સી.નો પ્લાન્ટ છે, જેમાં ખાતરનું ઉત્પાદન થાય છે. અત્યાર સુધીમાં ઓછા વજનની ફરીયાદ ક્યારે પણ મળી નથી. વજન ઓછું કેવી રીતે થાય. બોરીમાંથી બમ્બી મારીને કે રી-સીલાઈ કરીને ખાતર ઓછું થયું હોય એવું પણ ક્યાંય જોવા મળ્યું નથી. શિયાળા અને ચોમાસાની સીઝનમાં ખાતરના ઉત્પાદનમાં તથા પેકિંગમાં ભેજનું પ્રમાણ રહેતું હોય છે અને યુરિયાનો આ પ્લાન્ટ સિક્કામાં દરિયા કિનારે હોઇ ભેજનું પ્રમાણ રહેતું હોય છે, એટલે વજન ઓછું હોય તથા પેકેજીંગમાં કોઇ ટેકનીકલ ક્ષતિ થવાના કારણે પણ આ પ્રશ્નો થઇ શકે છે. તથા જી.એસ.એફ.સી. સરકાર હસ્તકનું સાહસ હોઇ ખેડૂતોને નૂકશાન થાય એવું ક્યારેય વિચારે જ નહિ તથા તોલમાપ ઘાટાના કાયદા મુજબ પેકેજીંગ નિયમમાં એક ટકાનો ફેરફાર પણ માન્ય છે. સરેરાશ ૨૫૦ ગ્રામ ઓછું વજન બેગમાં જોવા મળ્યું છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ૧ લાખ ૬૦ હજાર મે.ટન ખાતરનું ઉત્પાદન થયુ છે અને એમાંથી ૮૦૦૦ મે.ટન. વેચાયું છે જેની અંદાજીત કિંમત રૂ.૧૬ લાખ થાય છે. એટલે કૌભાંડનો કોઇ પ્રશ્ન જ નથી. અત્યારે ખેડૂતોને ખાતરની જરૂર હોય છે.
રાજ્ય સરકારે વર્ષ ૨૦૧૮-૧૯માં મગફળી, અડદ, મગ, તુવેર, ચણા, રાયડો અને અર્ધ શિયાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરી છે જેમાં ૨,૬૨,૭૮૦ ખેડૂતો પાસેથી ૫૧૫૧૧૭.૧૧ મેટ્રિક ટન જથ્થો ખરીદ્યો છે અને એ માટે રૂપિયા ૨૪૭૬.૬૬ કરોડની ચૂકવણી ખેડૂતોને કરી દેવાઇ છે. જેમાં મગફળીની ખરીદી ૨,૨૧,૧૫૮ ખેડૂતો પાસેથી ૪૪૮૪૧૬.૭૮ મે.ટન કરી છે એ માટે રૂપિયા ૨૨૪૧.૭૬ કરોડ ચૂકવાયા છે. તુવેરની ખરીદી ૧૯,૪૭૬ ખેડૂતો પાસેથી ૩૨૨૭૫.૯૦ મેટ્રીક ટન કરી છે, એ માટે રૂપિયા ૧૨૬.૬૭ કરોડ ચૂકવ્યા છે.