સરદારના કરમસદ ગામને વિશેષ દરજ્જો નહીં આપી અન્યાય

સમગ્ર દેશ ૩૧મી ઓક્ટોબરે સરદાર પટેલના જન્મ જયંતી પ્રસંગે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણની રાહ જોઈ રહ્યું છે. ત્યારે સરદાર પ્રેમીઓમાં નારાજગી જોવા મળી રહી છે કે કરમસદ ગામને વિશેષ દરજ્જો ક્યારે મળશે ?..
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે સરદાર પટેલની પ્રતિમા તૈયાર કરવા જ્યારે કરમસદ ગામેથી લોખંડ ઉઘરાવવામાં આવ્યું હતું ત્યારથી કરમસદ ગ્રામજનોની એક માંગ છે કે કરમસદ ગામને વિશેષ દરજ્જો મળે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આ બાબતે વચનો પણ આપવામાં આવ્યાં હતાં, પરંતુ સરકારના ઠાગાઠૈયાથી સરદાર પ્રેમીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
પાંચ માસ અગાઉ ગ્રામજનો દ્વ્રારા કરમસદ ગામને વિશેષ દરજ્જો મળે તેવી માંગ સાથે ગામના અગ્રણીઓ આમરાણંત ઉપવાસ ઉપર પણ ઉતર્યા હતાં. તે સમયે ભાજપનાં પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી દ્વારા ઉપવાસીઓને પારણાં કરાવી કરમસદને વિશેષ દરજ્જો આપવા મુદ્દે આશ્વાસન પણ અપાયું હતું.
હાલ જ્યારે દેશનના વડાપ્રધાન વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટરની સરદાર પટેલની પ્રતિમાનું લોકાર્પણ કરવા જઈ રહ્યાં છે, ત્યારે સરદાર પટેલના ગ્રામવાસીઓને એક આશા બંધાઈ રહી છે કે લોકાર્પણ પ્રસંગે સરદાર પટેલના ગામને વડાપ્રધાન દ્વારા વિશેષ દરજ્જો મળે તેવી જાહેરાત કરવામા આવે.